વલસાડમાં ભાજપ નેતાની બેરહેમી આવી સામે, 11 વર્ષના માસૂમ બાળકને માર્યો માર

વલસાડનાં મોટાં પારસીવાડ ખાતે પતંગ પકડવા દીવાલ કુદીને એક ભંગારના ગોડાઉન બહાર ગયેલાં ઘડુચી તળાવનાં 11 વર્ષનાં માસુમ બાળકને જિલ્લા ભાજપનાં ઉચ્ચ હોદ્દેદારનાં સંબંધીએ ચોરી કરવા આવ્યો છે કહી પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો. પોલીસે આ અંગે અરજી પણ લીધી નહોતી.પોલીસ પર દબાણ બાદ ફરિયાદ નોંધાઇ નહીં હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.
આ પણ વાંચોઃ સુરતમાં તિક્ષણ હથિયાર બતાવી લૂંટ ચલાવનાર દબોચાયા, ઘટના સ્થળે લઈ જઈ કઢાયો વરઘોડો
પતંગ લેવા ગયેલો
વલસાડ શહેરના ઘડુચી તળાવ વિસ્તારમાં રહેતાં એક પરિવારનો 11 વર્ષનો માસૂમ બાળક મંગળવારે (28મી જાન્યુઆરી) બપોરે પતંગ ચગાવતા હતાં તે દરમિયાન પતંગ કપાઈને આવતાં પતંગ પકડવા માટે દોડ્યો હતો અને મોટાં પારસીવાડનાં કુવા પાસે પહોંચી ગયો હતો. પતંગ ભંગારના ગોડાઉનમાં જતો જોતા ત્યાંની દિવાલ કુદીને ગોડાઉન બહાર પહોંચ્યો હતો. ત્યારે ત્યાં હાજર વલસાડ જિલ્લા ભાજપનાં એક ઉચ્ચ હોદ્દેદારનાં સંબંધી અને હાલમાં ભાજપ માંથી ચૂંટણી લડવા માટે ટિકિટ માંગનાર ભાજપ કાર્યકરે 11 વર્ષનાં માસુમ બાળકને પકડી ચોરી કરવાં આવ્યો છે તેમ કહી પટ્ટાથી બેરહેમીથી માર્યો હતો.
બાળકના વાલીને ફરિયાદ નહીં કરવા દબાણ કર્યુ
બાળકના પરિવારને જાણ થતા ત્યાં પહોંચીને બપોરે અઢી વાગ્યે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં બાળક પીડાતથી જોરજોરથી રડી રહ્યો હતો. આ અંગે બાળકના વાલી સીટી પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા. ત્યાં પોલીસે માર મારનાર ભાજપ નેતાને પણ બોલાવી લીધા અને સમાધાન કરવા પુરો સમય આપ્યો હતો. ફરિયાદ નોંધાય તો પાલિકાની ચૂંટણીની ટિકિટ નહીં મળે તે ડરથી બાળકના વાલીને સમજાવાયા હતા તેમજ ફરિયાદ નહીં કરવા દબાણ લવાયું હતું.
પોલીસ મથકે બેસાડી રખાયા
સીટી પોલીસમાં તપાસ કરતાં તે દિવસે ફરજ પરનાં પોલીસ કર્મીએ બતાવ્યું હતું કે, મોટાં પારસીવાડમાં આ બનાવ બન્યો હતો અને 11 વર્ષનાં બાળકને ચોરી કરવાં આવ્યો છે. તેમ માની ખુબ માર મારવામાં આવ્યો હતો તેની ફરિયાદ કરવાં બાળકના વાલી આવ્યાં હતાં અને માર મારનારા ને પણ પોલીસ મથકે બેસાડવામાં આવ્યા હતાં, સાહેબ ફરિયાદ લેવાનાં હતાં પરંતુ બાળકનાં વાલીઓએ ફરિયાદ કરી નહોતી.' હવે વલસાડ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ આ બાબતે માસુમ બાળકને ન્યાય અપાવે છે કે કેમ તે જોવું રહ્યું.

