Video: નવ નવેમ્બરે થશે ઇસ્કોન સાણંદ સુધીના ચાર કિલોમીટર લાંબા બ્રીજનું લોકાર્પણ

અમદાવાદ. એસ.જી. હાઈવે પર થતા ભારે ટ્રાફિકમાંથી હવે વાહનચાલકોને કાયમી મુક્તિ મળવા જઈ રહી છે. ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીના ૪ કિલોમીટર લાંબા ૬-લેન ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી ૯ નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ બ્રિજનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે..માત્ર ઓવરબ્રિજ જ નહીં, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ પણ શહેરને મળવા જઈ રહી છે. અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યા અનુસાર, ૯ નવેમ્બરે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ. ૬૭૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને રૂ. ૩૫૮ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.જેમાં નારણપુરા, ઘાટલોડિયા અને બોપલમાં નવી સ્માર્ટ સ્કૂલો, રાણીપ અને ચાંદલોડિયામાં પાણીની નવી ટાંકીઓનું ઉદ્ઘાટન તેમજ વાડજ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સામેલ છે."
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર દરરોજ લાખો વાહનચાલકો ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમતા હોય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલી આ બ્રિજની કામગીરી હવે આખરી તબક્કે પૂર્ણ થઈ ગઈ છે.
રૂપિયા ૬૭૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ ૬-લેન ફ્લાયઓવરની બંને બાજુ ૩-૩ રેમ્પ મૂકવામાં આવ્યા છે. આ બ્રિજ ચાલુ થવાથી રોજના ૨ લાખથી વધુ વાહનચાલકોનો સમય અને ઇંધણ બન્ને બચશે. અમદાવાદથી ગાંધીનગર કે સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો હવે અટક્યા વગર સડસડાટ પસાર થઈ શકશે."






