સુરતમાંથી ઝડપાયો ગાયના નામે વેચાતો શંકાસ્પદ ઘીનો જથ્થો, આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા

સુરતમાં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. શહેરના વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લઈ ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત કતારગામમાં આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન ગાયના ઘીના નામે વેચાતો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગાયના ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, તહેવારની સિઝનને લઈ સુરત આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થમાં ભેળસેળને લઈ શહેરના વિવિધ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત કતારગામ વિસ્તારમાં વિદૂર ગાયના ઘીના નમૂના લઈ પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. વધુમાં અહીં ગાયના ઘીના નામે વેચાતો ₹44,230ની કિંમતનો 62 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
આ સિવાય આરોગ્ય વિભાગ દ્વારા કામરેજ વિસ્તારમાં પણ તપાસ હાથ ધરી ખાંડ વાળુ દૂધ અને બરફીના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલામાં આવ્યા છે. હલે નમૂનાની તપાસના રિપોર્ટના આધારે આરોગ્ય વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાશે. જોકે કતારગામ અને કામરેજમાં આરોગ્ય વિભાગની તપાસને પગલે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.



