Rajkot/ વડતાલ સ્વામિનારાયણ મંદિરનો પાર્ષદ નશામાં ધૂત થઈ કાર ચલાવતા ઝડપાયો, દારૂની બોટલો પણ મળી આવી
પાટણવાવ (રાજકોટ): રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ધર્મ અને સંપ્રદાયને લાંછન લ

પાટણવાવ (રાજકોટ): રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ધર્મ અને સંપ્રદાયને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના એક પાર્ષદ નશાની હાલતમાં બેફામ કાર ચલાવતા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જાહેર રોડ પર સર્પાકાર કાર ચલાવતા પકડાયો
મળતી વિગતો મુજબ, પાટણવાવ પંથકમાં પોલીસ ચેકિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ રીતે રોડ પર સર્પાકાર (ઝિગ-ઝેગ) અને આડી-અવળી દોડી રહી હતી. પોલીસે આ કારને અટકાવી તપાસ કરતા કાર ચલાવી રહેલા વ્યક્તિ નશામાં ધૂત હોવાનું માલૂમ પડ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાર ચાલક મયુરભગત ઉર્ફે પરેશ ત્રિવેદી છે, જે વડતાલ સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ તરીકે ઓળખાય છે.
પોલીસ કાર્યવાહી
પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે અંદરથી ચોંકાવનારી વસ્તુઓ મળી આવી હતી. જેમાં વિદેશી દારૂની સીલપેક બોટલો તેમજ ખાલી બોટલો મળી આવી. પોલીસ દ્વારા કાર, બે મોબાઈલ ફોન અને દારૂ સહિત કુલ રૂ. 45,673 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પાટણવાવ પોલીસે પાર્ષદ મયુરભગત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી ધારો) અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાય વ્યસનમુક્તિ અને સંસ્કારોની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સંપ્રદાય સાથે જોડાયેલા પાર્ષદ જ નશાની હાલતમાં અને દારૂ સાથે પકડાતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો આ કૃત્ય સામે ફિટકાર વરસાવી રહ્યા છે.








