Vadodara/ 47 લાખના હેરોઇન કેસમાં ચોંકાવનારો ખુલાસો, ASIની ધરપકડ

વડોદરામાં સામે આવેલા 47 લાખ રૂપિયાના હેરોઇન કેસમાં તપાસ દરમિયાન પોલીસ તંત્રને જ હચમચાવી દે તેવો મોટો ખુલાસો થયો છે. શહેરમાંથી હેરોઇન ઝડપવાની કાર્યવાહી કરનાર SMC ટીમે હવે આ કેસમાં સંડોવણીના આરોપસર SOGના(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ASI લક્ષ્મી દેસાઈની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, SMC દ્વારા શહેરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. આ કેસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન સામે આવ્યું કે SOGના ASI લક્ષ્મી દેસાઈની મુખ્ય આરોપી અમરિક સિંહ મલહિ સાથે ગાઢ સંડોવણી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે દેસાઈએ ઝડપાયેલા આરોપી સાથે મોબાઈલ પર 50થી વધુ વખત વાતચીત કરી હતી, જેના કારણે તેમની ડ્રગ સપ્લાયરો સાથેની સંડોવણી બહાર આવી છે.
કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
SMC દ્વારા લક્ષ્મી દેસાઈને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં નામદાર કોર્ટે આરોપીની પાંચ દિવસની રિમાન્ડ મંજુર કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ચોંકાવનારી વાત એ છે કે અગાઉ આરોપીઓને જાપ્તામાં લઈને કોર્ટમાં રજૂ કરનાર ASI લક્ષ્મી દેસાઈ હવે પોતે જાપ્તામાં કોર્ટ સમક્ષ હાજર કરાયા છે. આ કેસ બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લક્ષ્મી દેસાઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ASI લક્ષ્મી દેસાઈને નિવૃત્તિ માટે માત્ર છ મહિના બાકી છે, ત્યારે તેમના પર લાગેલા આ ગંભીર આરોપોએ પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી છે.

