શિક્ષણનું ધામ કલંકિત: વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની વડોદરા ગુરુકુળમાંથી ધરપકડ

વડોદરાના તરસાલી રોડ પર આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં લંપટ શિક્ષકની કરતૂતને કારણે શાળાનું નામ શર્મસાર થયું છે. શિક્ષક વિનોદ બારીયા સામે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરવાના ગંભીર આક્ષેપો થયા છે, જેના પગલે પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ તેની ધરપકડ કરી છે.
વિદ્યાર્થિનીઓથી લઈને શિક્ષિકાઓ સુધી હેરાનગતિ
શિક્ષક વિનોદ બારીયા માત્ર વિદ્યાર્થિનીઓને ન જ નહીં, પરંતુ સાથી શિક્ષિકાઓને પણ હેરાન કરતો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેની હરકતોથી સાથી શિક્ષકો પણ નારાજ હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અગાઉ પણ વિદ્યાર્થિનીઓ સાથે લંપટગીરી કરવાના મામલા પ્રિન્સિપાલ સુધી પહોંચી ચૂક્યા હતા, પરંતુ તે સમયે કોઈ પગલાં લેવામાં ન આવતા શિક્ષક વિનોદ બેફામ બની ગયો હતો.
વાલીઓની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં
શિક્ષકની આ કરતૂતોથી કંટાળીને શાળાની વિદ્યાર્થિનીઓએ આખરે તેમના વાલીઓને ફરિયાદ કરી હતી. આ મામલો કાપોદરા પોલીસ મથકે પહોંચતા પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ લંપટ શિક્ષક વિનોદ બારીયાની અટકાયત કરી હતી.
વાલીના જણાવ્યા મુજબ, તરસાલીની એક ખાનગી શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિનોદભાઈ શમસુભાઈ બારીયા (રહે- મારૂતિધામ સોસાયટી, ચંદ્રનગર પાસે, તરસાલી, વડોદરા ) છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. છોકરા- છોકરીઓ સાથે હોય ક્લાસમાં શિક્ષક ડબલ મિનીંગવાળા શબ્દો બોલતા છોકરીઓ શરમમાં મુકાતી હતી.
વિદ્યાર્થીનીઓ બેઠી હોય તે બેંચ પર એકદમ નજીક આવી બેસી જાય છે. તેમજ વિદ્યાર્થીઓની મરજી વિરુદ્ધ તેમના ખભા પર હાથ મુકવા, માથે ટપલી મારવા જેવા શારીરિક અડપલા કરતા હતા. વિદ્યાર્થીનીઓ સગીર હોવા છતાં શિક્ષક દ્વારા અશ્લીલ ટીપ્પણીઓ અને યૌન ઇરાદાથી સ્પર્શ કરાતો હતો.
પોલીસ જ્યારે તેની તરસાલી સ્થિત નિવાસસ્થાને અટકાયત કરવા ગઈ, ત્યારે તે નશાની હાલતમાં હતો, જે વધુ એક ચોંકાવનારી બાબત છે. પોલીસે શિક્ષક વિનોદ બારીયા વિરુદ્ધ પોક્સોના કાયદા હેઠળ ગુનો નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

