Vadodara/ રફ્તારનો કહેર: રસ્તા પર સૂઈ રહેલા શ્રમજીવી પરિવારને ટેમ્પાએ કચડ્યો, બે બાળકો સહિત ચારને ઈજા

વડોદરા શહેરમાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો છે. ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં રસ્તા પર સૂઈ રહેલા એક શ્રમજીવી પરિવારને પૂરઝડપે આવેલા ટેમ્પાના ચાલકે અડફેટે લીધો હતો. આ ઘટનામાં બે બાળકો સહિત કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી છે.
પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર અકસ્માત
આ કરુણ ઘટના ગોરવા શાક માર્કેટ પાસે બની હતી, જે ગોરવા પોલીસ મથકથી માત્ર 100 મીટરના અંતરે આવેલો વિસ્તાર છે. મોડી રાત્રે જ્યારે આ શ્રમજીવી પરિવાર મીઠી નીંદર માણી રહ્યો હતો, ત્યારે પૂરઝડપે આવી રહેલા ટેમ્પા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને સૂતેલા પરિવાર પર ગાડી ચડાવી દીધી હતી.
બનાવને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત થયેલા તમામ ચાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ટેમ્પો ચાલકની અટકાયત, નશાની તપાસ
ગોરવા પોલીસે અકસ્માત સર્જીને ભાગી જવાનો પ્રયાસ કરતા ટેમ્પા ચાલકની અટકાયત કરી લીધી છે. પોલીસે આ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, ટેમ્પા ચાલકે અકસ્માત સમયે નશો કર્યો હતો કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે

