ગુજરાત માટે ગોઝારો રવિવાર: અકસ્માતની પાંચ ઘટનામાં ચાર લોકોના મોત,સાત ઘાયલ

રોજ આપણે અકસ્માતના બનાવો સાંભળતા હોઈએ છીએ એવામાં આજે ગુજરાતનાં અલગ અલગ શહેરો તથા તાલુકાઓમાં પાંચ અકસ્માતની ઘટનાઓ બની છે જેમાં એક 4 વર્ષનાં કિશોર સહિત કુલ ચાર લોકોનાં મોત થયાં છે તેમજ સાત લોકો ઘાયલ થયા છે.
વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ કિશોરનો લીધો જીવ
વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરાની ગાડી સાથે ગંભાર અકસ્માત સર્જાતા ૪ વર્ષના એક કિશોરનું મોત નિપજ્યું હતું. છાણી વિસ્તારમાં આવેલી અભય નગર સોસાયટીમાં બાળક રમતો હતો તે દરમિયાન કચરાની ગાડી રિવર્સ લેતા બાળક કચરાની ગાડી સાથે ભટકાયો હતો. તાત્કાલીક બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા કિશોરનું મોત નીપજ્યું હતું. વડોદરા શહેરમાં અનેક લોકોના જીવ ડોર ટુ ડોર કચરાની ગાડી ને લીધે ગયા છે.
ભાવનગરમાં મહિલા કાર ચાલકે ત્રણ બાઈકને અડફેટે લીધા
ભાવનગર નજીકના નાની ખોડીયાર પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ લોકોને ઇજા થઈ છે. કારચાલક મહિલા પોલીસ કર્મી હોવાનું જાણવા મળ્યું.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં અંગત બાબતને લઈ જાહેરમાં ફાયરિંગ, ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં, આરોપી ફરાર
મળતી વિગતો અનુસાર ભાવનગર રાજકોટ હાઇવે પર નાની ખોડીયાર નજીક કારચાલક મહિલાએ હાઇવે પર ત્રણ જેટલી બાઈક ચાલકને લેતા ધીરુભાઈ તેમજ તેમનો પુત્ર કરણ તેમજ અરવિંદ નામના પરપ્રાંતીય યુવક સહિત 3 લોકોને ઇજા પહોંચી હતી, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક ગામના દ્રશ્યો સર્જાયા, કારચાલક મહિલા પાલીતાણામાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હોવાની પ્રાથમિક વિગતો મળી રહે છે.
જંબુસરના કલક રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં RSS કાર્યકરનું મોત
જંબુસર ના આર.એસ.એસ.ના પ્રખર કાર્યકર નીતિનભાઈ ચોક્સી વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા.તે દરમ્યાન જંબુસર કલક રોડ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતાં તેઓનું ગંભીર ઇજા ના કારણે સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જંબુસર પોલીસ દ્વારા ઘટનાનો ગુનો નોંધી ફરાર વાહનચાલકની તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહીત તાલુકા પંચાયત પ્રમુખ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અકસ્માતમાં આર.એસ.એસના કાર્યકરના મોતના પગલે જંબુસર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી
બોટાદના ગઢડા રોડ પર યુવકનો રીક્ષા અને બસ સાથે અકસ્માત
બોટાદ શહેરનાં ગઢડા રોડ પર અમરેલી-બોટાદ એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. બાઈક ચાલક અચાનક રોડ પર રહેલ રીક્ષા સાથે અથડાયો તે દરમ્યાન એસટી બસ પસાર થતા અકસ્માત સર્જાતા યુવકનું મોત થયું હતું. મૃતક યુવાન બોટાદના બળદેવ હનુભાઈ રોજાસરા હોવાની પ્રાથમિક માહિતી મળી છે તેમજ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓના ભોજનમાં છાશવારે આવતી જીવાત મામલે સમરસ હોસ્ટેલમાં મીડિયા પ્રતિબંધ
ગોંડલમાં રેતી ભરેલા ટ્રેકટરે આશાવર્કરને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે મોત
આજે પોલિયો રવિવાર હોવાથી આંગણવાડીમાં આશાવર્કર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય સલમાબેન માડકીયા આંગણવાડીમાં એક્ટિવા લઈ ફરજ પર જતા હતા ત્યારે રેતી ભરેલ ટ્રેક્ટરની ટ્રોલીએ એક્ટિવાને હડફેટે લીધું હતું જ્યારે અકસ્માત બાદ રેતી ભરેલ ટ્રેકટર પલ્ટી મારી ગયુ હતું. અકસ્માતના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જયારે ટ્રેકટર ચાલક મોહનભાઇ ભૂરાભાઈ મારવાડીને ઇજા થવા પામી છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત અને મૃતક મહિલાને વીરપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સલમાબેનના પરિવારમાં તેઓ પતિ પત્ની જ હતા પત્નીનું મોત થતા ખેત મજૂરી કરતા પતિ ભાંગી પડ્યા હતા અને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

