મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat કોંગ્રેસમાં મોટો ભડકો: નવા માળખાની જાહેરાત બાદ ઉપ-પ્રમુખ સહિત ત્રણ હોદ્દેદારોના રાજીનામાં

સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિમાં નવા માળખાની જાહેરાત થતાં જ મોટો ભડકો થયો છે,

સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિમાં નવા માળખાની જાહેરાત થતાં જ મોટો ભડકો થયો છે, જેના કારણે સંગઠનમાં ભંગાણ થવાની સંભાવના વધી ગઈ છે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓએ રાજીનામા ધરી દીધા છે અને તેઓ સંગઠન છોડીને ભાજપના નેતા હાર્દિક પટેલના સંપર્કમાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

નવું માળખું જાહેર થતા જ રાજીનામાની વણઝાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને મેલ દ્વારા એક પછી એક રાજીનામાં મોકલી આપવામાં આવ્યા છે. તાજેતરમાં જે નેતાઓએ સંગઠનમાંથી રાજીનામા આપ્યા છે તેમાં મુખ્યત્વે આ નેતાઓનો સમાવેશ થાય છે:

  • સુરેશ સુવાગીયા: ઉપ-પ્રમુખ તરીકે નામ જાહેર થયેલું હોવા છતાં રાજીનામું આપ્યું.
  • દીપક પટેલ: ગોડાદરાના મહામંત્રી તરીકે રાજીનામું આપ્યું.
  • અશ્વિન સાવલિયા: જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે નામ જાહેર થયેલું હોવા છતાં રાજીનામું આપ્યું.

કોંગ્રેસના નેતાઓ હાર્દિક પટેલના સંપર્કમાં

સુરત કોંગ્રેસના આ રાજીનામા પાછળ મોટું રાજકીય કાવતરું હોવાની શક્યતા છે. રાજીનામું આપનાર નેતાઓમાંથી મુખ્ય બે નેતાઓ, સુરેશ સુવાગીયા અને મહેશ કેવડીયા દ્વારા ભાજપના વર્તમાન ધારાસભ્ય (MLA) હાર્દિક પટેલ સાથે મિટિંગ કરવામાં આવી હોવાની માહિતી બહાર આવી છે.

કોંગ્રેસના આ નેતાઓનું ભાજપના પૂર્વ કોંગ્રેસી નેતા સાથે સંપર્કમાં આવવું સ્પષ્ટ સંકેત આપે છે કે સુરત કોંગ્રેસમાં મોટું ભંગાણ પડી શકે છે અને આ અસંતુષ્ટ નેતાઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.

કોંગ્રેસ નેતા નૈસદ દેસાઈએ જણાવ્યું હતું કે નવા સંગઠન માળખાની જાહેરાત બાદ તરત જ નેતાઓએ રાજીનામા આપતા કોંગ્રેસનું મોવડીમંડળ પણ ચિંતિત બન્યું છે. પરંતુ આ રાજીનામાં હોદ્દા પરથી અપાય છે, પાર્ટીમાંથી નથી આપ્યા. રાજીનામાં આપનારાઓમાં પક્ષ પ્રત્યે કોઈ જ નાજગી નથી. પક્ષ છોડવાની  વાત નથી.

આ સમાચાર શેર કરો