સુરતમાં સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો, 1300 પ્રકારની વાનગીના અપ્રતિમ થાળના ભાવિકોએ કર્યા દર્શન
સુરતના અડાજણમાં આવેલા BAPS મંદિરમાં સ્વામિનારાયણને 1300થી વધુ વાનગીઓનો

સુરતના અડાજણમાં આવેલા BAPS મંદિરમાં સ્વામિનારાયણને 1300થી વધુ વાનગીઓનો અન્નકુટ ચઢાવવામાં આવ્યો છે. જે અન્નકૂટના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 દિવસની મહેનત બાદ 1200 સ્વયંસેવકો દ્વારા આ અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નવા વર્ષના મંગલ પ્રારંભે અન્નકૂટના દર્શન માટે પધારી રહેલા ભક્તોમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે 1300 જેટલા સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મંદિરમાં સાંજના સાત વાગ્યા સુધીમાં 45,000થી વધુ ભક્તો દર્શન કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
1300 પ્રકારની વાનગીનો અન્નકુટ
સુરતના અડાજણ ખાતે આવેલા BAPS મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીં દરરોજ ભક્તો સ્વામિનારાયણના દર્શનાર્થે આવતા હોય છે. તેમાં પણ દિવાળીના દિવસો હોય ત્યારે ભક્તોનો અહીં દર્શન માટે ઘસારો રહે છે. આ વચ્ચે નવા વર્ષના મંગલ પ્રારંભે મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને 1300થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. 1200 જેટલા સ્વયંસેવકો દ્વારા છેલ્લા 12 દિવસથી અન્નકૂટની તૈયારી કરવામાં આવી રહી હતી. જેના ફળ સ્વરૂપે આજરોજ ભગવાન સ્વામિનારાયણને 1300થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાવી ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જે અન્નકૂટના દર્શન માટે વહેલી સવારથી મંદિરમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
મિષ્ટાન, ફરસાણ સહિતની વાનગી
કોઠારી ઉત્તમ પ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, દર વર્ષે નવા વર્ષના મંગલ પ્રારંભે સ્વામિનારાયણને અન્નકૂટનો થાળ ધરાવવામાં આવે છે. જેમાં અલગ અલગ મિષ્ટાન, ફરસાણ, જુદી જુદી જાતની મીઠાઈઓ સહિતની વાનગીઓનો ભોગ ચઢાવવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં મંદિરના સેવકો સેવામાં જોડાય છે. આ વર્ષે પણ નવા વર્ષના મંગલ પ્રારંભ પ્રસંગે મંદિરમાં અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સ્વામિનારાયણને 1300થી વધુ જુદી જુદી વાનગીઓનો ભોગ ચઢાવવામાં આવ્યો છે. જે વાનગીઓ બનાવવામાં 1200થી વધુ સ્વયંસેવકોની મહેનત છે.








