Navratri 2024:વરસાદમાં પણ રમઝટ બોલાવવા ખલૈયાઓનો અનોખો કિમીયો, પગ ભીના ન થાય માટે વોટરપ્રૂફ બૂટનો જુગાડ
નવરાત્રિને ગણતરીના કલાકો બાકી છે ત્યારે વરસાદ પણ રોજે રોજ આવતો હોવાથી ખેલૈયાને નવરાત્રિ ધોવાઈ જવ

નવરાત્રિને ગણતરીના કલાકો બાકી છે ત્યારે વરસાદ પણ રોજે રોજ આવતો હોવાથી ખેલૈયાને નવરાત્રિ ધોવાઈ જવાની ચિંતા છે. ત્યારે સુરતના ખેલૈયાઓએ આફતમાંથી અવસર શોધી લીધો હોય તેમ અનોખો કિમીયો અજમાવ્યો છે. ગરબા ગ્રાઉન્ડમાં પગ ભીના ન થાય તે માટે વોટરપૂર્ફ બૂટનો જુગાડ કર્યો છે. પહેરવામાં આરામદાયક હોવાની સાથે રમવામાં પણ આસાન હોવાથી વોટરપ્રૂફ બૂટ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે આશિર્વાદ રૂપ બનશે તેમ જણાવી રહ્યાં છે.
ગરબામાં વોટરપ્રૂફ બૂટ
વરસાદી માહોલ વચ્ચે નવરાત્રિમાં રમઝટ માટે ખેલૈયાઓમાં હાલ વોટરપ્રૂફ બૂટની ડિમાન્ડ વધી છે. ખેલૈયાઓ દ્વારા અત્યારથી વોટરપ્રુફ બૂટ પહેરી ગરબા કલાસમાં પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. ટ્રેડિંશનલ ડ્રેસની સાથે વોટરપ્રૂફ બૂટ પહેરી ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી રહ્યાં છે. અવનવા સ્ટેપમાં પણ આ વોટરપ્રૂફ બૂટ સાથ આપતાં હોવાનો ખેલૈયાઓએ મત વ્યક્ત કર્યો હતો.
પગ છોલાતા નથી
ખેલૈયાએ કહ્યું કે, વોટરપ્રૂફ બૂટની ખાસીયત એ છે કે, પગમાં પહેર્યા પછી ખૂબ જ સારું લાગે છે અને વરસાદનું પાણી અથવા કોઈપણ પાણી બૂટની અંદર જવાની કોઈપણ શક્યતા હોતી નથી.સાથે જ પગમાં પણ બહુ જ સારુ લાગી રહ્યું છે. પગ છોલાતા નથી. જેથી વરસતા વરસાદમાં અમારા જેવા ખેલૈયાઓમાં જે ઉત્સાહ છે. તેમાં કોઈ અડચણ વરસાદની નડશે નહી.
પાંચ કલાકની મહેનતે તૈયાર
વોટરપ્રૂફ બૂટ બનાવનાર મિક્કી ખેદાનીએ કહ્યું કે, અમને અત્યાર સુધી 50થી વધુ વોટરપ્રૂફ બૂટના ઓડર મળ્યા છે. વોટરપ્રૂફ બૂટ પહેરી શેરી ગરબા અને ડોમમાં પણ જઈ શકાશે. અમે ગત વર્ષથી આ કામ કરી રહ્યા છીએ. ઓનલાઇન ઓર્ડરો આવી રહ્યા છે. નવરાત્રિ સુધી હજુ આંકડો વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. વોટરપ્રૂફ બૂટ બનાવવા પાછળ ચારથી પાંચ કલાક લાગતો હોય છે. જેમાં કોડીઓ, વર્ક સહિતનું નવરાત્રિના ટ્રેડિશન અનુરૂપનું ભરત પણ કરવામાં આવે છે.








