મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મહિલાની ધરપકડ, સોદો થાય તે પહેલા જ પોલીસ ત્રાટકી

સુરતમાં નવજાત બાળકોના વેચાણનું મોટું રેકેટ ઝડપાયું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ક

Surat news: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મહિલાની ધરપકડ, સોદો થાય તે પહેલા જ પોલીસ ત્રાટકી

સુરતમાં નવજાત બાળકોના વેચાણનું મોટું રેકેટ ઝડપાયું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવાણે નામની બે મહિલાઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ મહારાષ્ટ્રથી એક બાળકનું અપહરણ કરી સુરતમાં તેનો સોદો કરવાની ફિરાકમાં હતી, પરંતુ સોદો પાર પડે તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધી હતી. પોલીસને શંકા છે કે આ ટોળકીએ અગાઉ પણ અનેક બાળકોની ચોરી કરી તેમનું વેચાણ કર્યું હોઈ શકે છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને મહિલાઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં રાજ્યવ્યાપી મસમોટું ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ઔરંગાબાદથી સુરત સુધીનું તસ્કરી કનેક્શન

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ધરપકડ કરાયેલ બંને મહિલાઓ, અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવાણે અગાઉ પાડોશમાં રહેતી હતી. તે આ બાળકીનું મહારાષ્ટ્રના ઔરંગાબાદથી અપહરણ કર્યું હતું અને વધુ કિંમતે વેચવા માટે સુરત લાવી હતી.

મહિલાઓએ બાળકીના ફોટા પાડીને સોશિયલ મીડિયા અને મોબાઈલ દ્વારા સુરતના 2-3 ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે તે આ બાળકી પોતાની હોવાનો દાવો કરતી હતી. જો કે, બાળકીના જન્મના કોઈ પણ કાયદેસરના પુરાવાઓ રજૂ ન કરી શકતા પોલીસની શંકા દ્રઢ બની હતી.

સોદો થાય તે પહેલા જ પોલીસ ત્રાટકી

ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે, બાળકીનો સોદો શરૂ થાય તે પહેલા જ બંને આરોપી મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મહિલાઓએ કબૂલાત કરી હતી કે તે બાળ તસ્કરીના નેટવર્ક સાથે જોડાયેલી છે. હાલ નવજાત બાળકીને સંભાળ માટે CWC (Child Welfare Committee) સેન્ટરમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મહિલાઓ અગાઉ કેટલા બાળકોની તસ્કરી કરી ચૂકી છે અને સુરતમાં તેમના સંપર્કમાં કોણ કોણ હતું. આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ મહારાષ્ટ્ર પોલીસની પણ મદદ લઈ શકે છે.

અગાઉ પણ તસ્કરીના રેકેટ ઝડપાયા 

ઉલ્લેખનીય અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSએ જોઈન્ટ ઓપરેશન કરી બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં હિંમતનગરથી ખરીદેલું એક નવજાત શિશુને હૈદરાબાદમાં વેચવા જતી એક મહિલા સહિત ત્રણ શખ્સને ઝડપી પાડ્યા હતા. હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી નવજાત શિશુ 3,60,000માં ખરીદ્યું હતું. 

આ સમાચાર શેર કરો