મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોપલમાં PSIની પત્નીના ગળામાંથી પોણા બે લાખની ચેઈનની ચીલઝડપ, બે અજાણ્યા સ્નેચરો સામે ગુનો દાખલ

બોપલમાં PSIની પત્નીના ગળામાંથી પોણા બે લાખની ચેઈનની ચીલઝડપ, બે અજાણ્યા સ્નેચરો સામે ગુનો દાખલ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અમદાવાદના બોપલ-શેલા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. બોપલ VVIP રોડથી શેલા સુધીના રસ્તા પર PSIની પત્નીના ગળામાંથી અંદાજિત 1,75,000 રૂપિયાની કિંમતની સોનાની ચેઇનની સ્નેચિંગની ઘટના બની છે. બોપલ વિસ્તારમાં છેલ્લા 1 મહિનામાં આ પ્રકારનો 2 થી 3 કિસ્સા નોંધાયા છે. બોપલ VVIP રોડથી શેલા સુધીમાં સીસીટીવી ન હોવાની વિગતો સામે આવી છે, તેમ છતાં ઘટનાના પગલે પોલીસે અન્ય આસપાસના સીસીટીવી કેમેરા અને બાતમીના આધારે બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

દીકરાને ટ્યુશનથી લેવા જતા સમયે બની ઘટના

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શેલા ખાતે આવેલા શાલીગ્રામ પ્રાઈડમાં રહેતા 38 વર્ષીય મહિલા પોતાના 11 વર્ષીય દીકરાને ટ્યુશનથી લેવા ગયા હતા. તેઓ દીકરાને એક્ટિવા પર બેસાડીને ફ્લેટથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. સાંજે 7:15 વાગ્યાની આસપાસ કાપડિયા સ્કૂલ અને નિત્યશાંતીભવન વચ્ચેથી પસાર થતી વખતે પાછળથી એક બાઈક પર 2 અજાણ્યા શખ્સો તેમના એક્ટિવાની એકદમ નજીક આવી ગયા હતા.

બાઈક પર આવેલા શખ્સોએ કરી ચીલ ઝડપ

બાઈક પર પાછળ બેઠેલા શખ્સે અચાનક મહિલાના ગળામાં પહેરેલ સવા 2થી અઢી તોલા વજનની સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી, અને ત્યારબાદ તેઓ પૂરપાટ ઝડપે બાઈક હંકારીને આગળના રોડ તરફ ફરાર થઈ ગયા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા નિત્યશાંતીભવનના સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા, અને બાઈકનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ હાથમાં આવ્યા ન હતા. બાઈક ચલાવનાર શખ્સે કેસરી કલરનો ચેક્સવાળો શર્ટ અને પાછળ બેઠેલા શખ્સે બ્લુ કલરનો શર્ટ પહેર્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ 2 અજાણ્યા શખ્સો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો