અમદાવાદના દાસ્તાન સર્કલ પાસે વેપારી પાસે તોડ કરનારા TRBના બે જવાન ઝડપાયા
અમદાવાદમાં દાસ્તાન સર્કલ પાસે વેપારી પાસે તોડ કરનારા ટ્રાફિકમાં ફરજ બજાવતા બે

અમદાવાદમાં દાસ્તાન સર્કલ પાસે વેપારી પાસે તોડ કરનારા ટ્રાફિકમાં ફરજ બજાવતા બે TRB જવાનની નિકોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ મુંબઇના વેપારી પાસેથી 5.88 લાખનો તોડ કર્યો હતો. આરોપીઓએ વેપારી પાસેથી ખાનગી વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસે ટ્રાફિકમાં ફરજ બજાવતા બે આરોપીની ધરપકડ કરીને ચાર દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. ટ્રાફિક પોલીસે તોડ કરતા અમદાવાદ પોલીસની શાખ પર દાગ લાગ્યો હતો અને સવાલ ઉભા થયા હતા.
શું છે ઘટના?
મહારાષ્ટ્રમાંથી અમદાવાદ આવેલા વેપારી વજેરામ ગુર્જર અને કૌટુંબિક ભાઈ સાથે નિકોલ એરિયામાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન અણધારી ઘટના બની હતી. વજેરામ ગુર્જર મહારાષ્ટ્રના વેપારી તરીકે જાણીતા છે અને તેઓ અમદાવાદમાં વ્યવસાયિક કાર્યો માટે વારંવાર આવતા હોય છે. તે અને તેમના કૌટુંબિક ભાઈ તે દિવસે હ્યુડાઇ ક્રેટા કાર ડ્રાઇવ કરીને નિકોલ સરદાર પટેલ રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
17 ઓગસ્ટ 2025ના રોજ સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ નિકોલ દાસ્તાન સર્કલ પાસે પહોંચતાં જ અજાણ્યા ચાર પોલીસ કર્મીઓએ તેમની કારને રોકી હતી. આ ટ્રાફિક પોલીસ કર્મીઓએ પોતાની ઓળખ જણાવ્યા વિના ટ્રાફિક ચેકિંગના નામે વાહનની તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં રુટીન ચેકિંગ જેવું લાગતું હતું, પરંતુ ધીમે ધીમે વાતોમાં વળાંક આવ્યો.પોલીસ કર્મીઓએ વજેરામ ગુર્જર અને તેમના કૌટુંબિક ભાઇનો મોબાઇલ ફોન માંગ્યો અને તેમાંથી ક્રિકેટ સટ્ટા સાથે જોડાયેલી કોઈ આઈડી મળી જવાનો આરોપ લગાવ્યો હતો.
આ આરોપ સાંભળીને તેઓ ગભરાઈ ગયા હતા. પોલીસ કર્મીઓએ તરત જ તેમને ધમકી આપવાની શરૂઆત કરી કે "તારા ફોનમાં ક્રિકેટ સટ્ટાની આઈડી છે, તું સટ્ટો રમે છે. આના આધારે તારા પર કેસ નોંધાશે અને તને જેલમાં નાખીશું." આ ધમકીઓથી ડરી જતાં તેઓને દાસ્તાન સર્કલ પાસે આવેલા એક કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા.પોલીસ કર્મીઓએ કહ્યું કે, જો તાત્કાલિક પૈસા ન આપ્યા તો કેસ નોંધીને તેમને અમદાવાદમાં જ અટકાવી દેશે અને મહારાષ્ટ્ર પાછા જવાનું પણ મુશ્કેલ બની જશે.
આ દબાણ હેઠળ જબરજસ્તી પૈસા આપવા પડ્યા હતા. પહેલા તેઓએ 1 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા પરંતુ પોલીસ કર્મીઓએ વધુ માંગ કરી હતી. ત્યારબાદ નેટ બેન્કિંગ અને ગૂગલ પે દ્વારા ઓનલાઇન 4 લાખ 88 હજાર રૂપિયા કઢાવી લીધા હતા.આ દરમિયાન તેમણે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગોંધી રાખવામાં આવ્યા હતા.
આ ઘટના પછી વેપારી વજેરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ચારેય પોલીસ કર્મીઓ સામે એક્સટોર્શન, ધમકી અને જબરજસ્તીના આરોપો લગાવાયા છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
આ ઘટના અમદાવાદ પોલીસ માટે લાંછનરૂપ સાબિત થઇ છે. તાજેતરમાં પણ ટ્રાફિક પોલીસ સામે આવી જ પ્રકારની ફરિયાદો આવી હતી. વેપારી સમુદાયમાં આ બાબતે રોષ ફેલાયો છે. આવી ઘટનાઓથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગમગાઇ રહ્યો છે.








