મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હરણી બોટકાંડની આજે વરસી, તમામ આરોપીઓ જામીન પર મુક્ત; માસુમોને ક્યારે મળશે ન્યાય?

હરણીના લેક ઝોન તરીકે ઓળખાતા તળાવમાં બોટ પલટી જવાથી 12 બાળકો અને 2 શિક્ષ

હરણી બોટકાંડની આજે વરસી, તમામ આરોપીઓ જામીન પર મુક્ત; માસુમોને ક્યારે મળશે ન્યાય?

હરણીના લેક ઝોન તરીકે ઓળખાતા તળાવમાં બોટ પલટી જવાથી 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા.તમામ સ્તરે તંત્રની ઘોર બેદરકારીના કારણે સર્જાયેલી આ કરુણાંતિકાને આજે, 18 જાન્યુઆરીએ એક વર્ષ પુરુ થશે.જોકે હજી પણ આ મૃતક બાળકો અને  શિક્ષિકાઓના પરિવારને ન્યાય મળ્યો નથી.

આ ઘટનાએ વડોદરાની સાથે સાથે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. કારણકે મોતને ભેટેલા તમામ નાના બાળકો હતા અને વાઘોડિયા રોડની ન્યૂસનરાઈઝ સ્કૂલમાં ભણતા હતા. તેઓ પિકનિક માટે લેક ઝોન ખાતે આવ્યા હતા.જ્યાં તળાવમાં બોટિંગ માટે 14ની ક્ષમતાળાળી બોટમાં ૩8 બાળકોને ઠાંસી ઠાંસીને  બેસાડી દેવામાં આવ્યા હતા. બોટ પાણીની વચ્ચે વળાંક લેવા ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. આ માનવસર્જિત હોનારત જ હતી. કારણ કે સુરક્ષાના તમામ નિયમોને બાજુ પર મૂકી દેવામાં આવ્યા હતા.

ન્યૂસનરાઈઝ સ્કૂલે પણ પિકનિક જતા પહેલા ડીઈઓ કચેરીની પરવાનગી ન લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

હરણી બોટ કાંડની આજે, 18 જાન્યુઆરીએ પહેલી વરસીએ કોંગ્રેસ દ્વારા સવારે 9-45 વાગ્યે હરણી તળાવથી માર્કેટ ચાર રસ્તા સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, પીડિત પરિવારોને ન્યાય આપવા માટે તથા આ દુર્ઘટના માટે જવાબદાર દોષિતોને જેલ ભેગા કરવાની માગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. 

જ્યારે વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરે પણ સવારે 8-45 વાગ્યે ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે, બપોરે 12 વાગ્યે કોર્પોરેશન ઓફિસ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે અને બપોરે 3 વાગ્યે એરપોર્ટ સર્કલથી હરણી લેક ઝોન સુધી પગપાળા જઈને મૃતક બાળકોને શ્રધ્ધાંજિલ આપવાનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે. જેમાં મૃત બાળકોના વાલીઓ પણ જોડાવાના છે. વાલીઓએ વડોદરાના લોકોને પણ જોડાવા માટે અપીલ કરી છે.

તમામ આરોપીઓ અત્યારે જામીન પર, સ્કૂલ સામે પણ કાર્યવાહી નહીં

જેના કારણે લેક ઝોનનો કોન્ટ્રાક્ટ લેનાર કોટિયા પ્રોજેકટના પંદર ભાગીદારો સહિત 18 વ્યક્તિઓ સામે મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો હતો.એ પછી બીજા બે આરોપીઓ ઉમેરાયા હતા અને કુલ 20  વ્યક્તિઓ સામે ચાર્જશીટ થઈ હતી.આજે તમામ જામીન પર બહાર છે.જે બાળકો અને શિક્ષિકાઓ મોતને ભેટયા છે તેમને એક વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી. ડીઈઓ કચેરીએ પરવાનગી વગર પિકનિક યોજાઈ હોવા છતા સ્કૂલ સામે પણ કોઈ પગલા લીધા નથી.

ફરિયાદી ઈજનેરે બેદરકારી દાખવી તેવું કોર્પોરેશનને એક વર્ષ પછી લાગ્યું 

વાલીઓનું કહેવું છે કે, કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણે  બોટ કાંડમાં ફરિયાદ નોંધાવી હતી.હવે એક વર્ષ પછી કોર્પોરેશનને લાગે છે કે, તેમણે ફરજમાં બેદરકારી દાખવી હતી અને લેકઝોન ખાતે  નિયમિત રીતે ચેકિંગ નહોતું કર્યું, કોર્પોરેશને  આ બેદરકારી બદલ તેમના પેન્શનમાંથી માત્ર 5000 રુપિયા કાપવાનો હુકમ કર્યો છે.જ્યારે તેમની નોકરી ચાલું હતું ત્યારે કોર્પોરેશને કોઈ પગલા લીધા નહોતા અને હવે પેન્શનમાંથી પૈસા કાપવાની લોલીપોપની જાહેરાત કરી છે.

મૃતક બાળકના પિતા કહે છે કે 'સીબીઆઈને તપાસ સોંપવામાં આવે'

મૃતક બાળકોમાં ચોથા ધોરણમાં ભણતો વિશ્વ નિઝામા પણ હતો.તેના પિતા કલ્પેશભાઈ એક વર્ષથી બીજાની સાથે કાનૂની જંગ લડી રહ્યા છે.તેમણે કહ્યું હતું કે, મેં  આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવા માટે ગૃહ મંત્રીથી માંડીને વડોદરા પોલીસ કમિશનર કચેરી સહિત તમામ સ્તરે રજૂઆત કરી હતી. પણ મારી ફરિયાદ નોંધવામાં આવી નહોતા. બોટ કાંડમાં તમામ સ્તરે ભ્રષ્ટાચાર થયેલો છે. મારી તો માગ છે કે, સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોપવામાં આવે.અમને વહેલી તકે ન્યાય મળે અને વળતર પણ મળવું જોઈએ અને અમારા બાળકોના મોત માટે તમામ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.

વળતર માટેની સુનાવણી તાજેતરમાં જ શરુ થઈ છે

મૃતકોના પરિવારોને વળતરની સુનાવણી કરવા માટે હાઈકોર્ટે નાયબ કલેકટરને આદેશ આપ્યો છે.જેની પહેલી સુનાવણી તાજેતરમાં જ થઈ હતી અને હવે વધારે સુનાવણી તા.20 જાન્યુઆરીના રોજ યોજનાર છે.

દરેક મૃતકના પરિવારને 25 લાખ વળતર ચૂકવો 

કોંગ્રેસે માગણી કરી છે કે, બોટ કાંડ માટે જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને મૃતકોના પરિવારને વળતર પેટે 25-25 લાખ રુપિયા ચૂકવવામાં આવે. આ કેસમાં સરકાર પહેલેથી જ ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે.

આ સમાચાર શેર કરો