સુરતીઓના ધબકારા વધારતો ઉકાઈ ડેમ, ઓવરફ્લો થવાથી માત્ર 1 ફૂટ દૂર રહેતા છોડાયું પાણી
સુરતીઓની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના હવે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. મધરાતે ડેમમાં પાણીની

સુરતીઓની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના હવે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. મધરાતે ડેમમાં પાણીની આવક વધીને 1.03 લાખ ક્યુસેક થઈ ગઈ છે. ચોવીસ કલાકમાં ડેમની સપાટી એક ફૂટ વધીને 344.05 ફૂટે પહોંચી છે. ડેમની સપાટી ભયજનક નજીક પહોંચી ગઈ છે. ત્યારે હવે ડેમ ઓવરફ્લો 345 ફૂટથી માત્ર એક ફૂટ દૂર હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હાલ ઉકાઈ ડેમમાંથી 78,000 પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આવકમાં વધારો
ગત રોજ સવારે ડેમમાંથી 6 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. બાદમાં પાણી છોડવાનું બંધ કરી ડેમને ભરવા દેવામાં આવી રહ્યો હતો. દરમિયાન બપોર બાદ પાણીની આવકમાં વધારો થયો હતો. રાત્રે 12 વાગ્યાથી ઉકાઈ ડેમમાં એક લાખથી વધુ પાણીની આવક થઈ રહી છે. વિતેલા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે. ડેમ 345 ફૂટે પુરેપુરો ભરાય છે. ત્યારે હાલ સપાટી 344.05 ફૂટ પર પહોંચી ગઈ છે. જેથી હવે ડેમ ભયજનક સપાટીથી એક ફૂટ જ દૂર છે.
સત્તાધિશોની ચિંતા વધી
ઉકાઈ ડેમના સત્તાધિશોને દર વર્ષે ડેમમાં પાણીની આવક વધે તો પણ ચિંતા રહે છે અને પાણી નહીં ભરાય તો પણ ચિંતા રહે છે. પરંતુ પાછલા વર્ષની જેમ આ વખતે પણ ડેમ ધીમે ધીમે છેલ્લે 100 ટકા ભરાવા પર છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા 52 રેઈનગેજ સ્ટેશનો ઉપર વિતેલા ચોવીસ કલાકમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડયો છે, જેને કારણે ડેમમાં પાણીની આવક વધીને મધરાતથી 1 લાખ ક્યુસેકથી વધી થઈ ગઈ છે.








