મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શું પોલીસને ખાલી રિકવરીમાં જ રસ છે? અમદાવાદ પોલીસની કામગીરીને લઇને હાઇકોર્ટ નારાજ

અમદાવાદ ગ્રામ્ય પોલીસની રિકવરી સંબંધિત કામગીરીને લઇને ગુજરાત હાઇકોર્ટ નારાજ થયું છે. અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસ

શું પોલીસને ખાલી રિકવરીમાં જ રસ છે? અમદાવાદ પોલીસની કામગીરીને લઇને હાઇકોર્ટ નારાજ

અમદાવાદ ગ્રામ્ય પોલીસની રિકવરી સંબંધિત કામગીરીને લઇને ગુજરાત હાઇકોર્ટ નારાજ થયું છે. અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી હાઇકોર્ટમાં હાજર રહ્યાં હતા. કોર્ટે ડીવાયએસપીને વેધક સવાલ કર્યા હતા. કોર્ટે પૂછ્યું કે, શું તમે તમારૂં કામ વ્યવસ્થિત રીતે કરી રહ્યાં છો? શું પોલીસને ખાલી રિકવરીમાં જ રસ છે? મહત્ત્વપૂર્ણ છે કે જેતપુરના વેપારીને 21 લાખની ઉઘરાણી મામલે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હેરાનગતિ કરવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

હાઇકોર્ટે ગુજરાત પોલીસનો ઉધડો લીધો

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપીને વેધક સવાલ પૂછતા કહ્યું કે, ચાંગોદર અને બાવળા પાસે ટ્રાફિકની સમસ્યા હોય છે, તમારા પોલીસકર્મી બાજુમાં ઉભા હોય છે અને એ બધું ધ્યાને નથી આવતું? તલવાર અને ફાયર આર્મ્સ જેવી ઘટના રોકવા શક્તિ વાપરવાની જગ્યાએ અન્ય કામગીરી કેમ?

બીજી તરફ રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં ખાતરી આપી હતી કે જરૂરી પગલા લેવા અને યોગ્ય આદેશ આપવામાં આવ્યા છે. હાઇકોર્ટે ઇસ્કોન પાસે જતાં ટ્રાફિક અંગે પણ હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. એક એક રીક્ષામાં 8 મુસાફર ભરેલા હોય છે, તમને કોઇની કંઇ પડી જ નથી, દરકાર જ નથી? 

સત્તા આપી એટલે તમારા અધિકારીઓ તેનો દુરઉપયોગ કરે છે. ગુંડાઓને પોલીસનો ડર હોવો જોઇએ. પોલીસ કોર્ટને પેરેલલ કામગીરી કરી રહી છે. મર્યાદામાં રહી, મનફાવે એમ પાવર્સ એક્સરસાઇઝ કરો એ ના ચાલે. સરકારી વકીલે ખાતરી આપતા કહ્યું કે, આ બધી ઘટનાઓ અટકાવવામાં આવશે.

શું છે ઘટના?

જેતપુરમાં ભાગીદારીમાં એગ્રી બિઝનેસ કરતાં એક વેપારીને છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા પોલીસમથકમાંથી ફોન આવતાં હતા અને પીઆઇથી લઇને ડીવાયએસપી સુધીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા 21 લાખની ઉઘરાણી કરી ફરિયાદીને પૈસા આપી દેવા ધમકી અપાતી હતી. પોલીસના ત્રાસ અને હેરાનગતિથી કંટાળી અરજદાર વેપારીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી.

આ ઘટનાને લઇને જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે પોલીસનો ઉધડો લીધો હતો.હાઇકોર્ટે કહ્યું કે પોલીસ શેના માટે અરજદારને નોટિસ કાઢે છે અને પોલીસ માટે શું આવું કરવું જરૂરી છે?શું પોલીસની કામગીરી રિકવરી એજન્ટની છે અને તેણે લોકોના પૈસા રિકવરી કરી આપવાનું કામ કરવાનું છે? ખરેખર પોલીસે જે કામ કરવાનું છે એ કામ કેમ કરતી નથી?

આ સમાચાર શેર કરો