અગ્નિકાંડ: હાઈકોર્ટે સરકારને લીધી સાણસામાં, મોટા માથાઓને પકડીને કાર્યવાહી કરો, અમારે કંઈ સાંભળવું નથી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઈએલ અને એડવોકેટ અમિત પંચાલ દ્વ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઈએલ અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી સૌપ્રથમવાર ગુજરાત હાઈકોર્ટના ચીફ સ્ટીસની મુખ્ય કોર્ટ સમક્ષ નીકળી હતી, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજ્ય સરકાર અને રાજકોટ મનપા સહિતના સંબધિત સત્તાવાળાઓને જોરદાર ફટકાર લગાવી હતી.
હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે SITના રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી
સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે સરકાર અને સત્તાવાળા આવી દુર્ઘટનામાં નાના અધિકારીઓ- કર્મચારીઓને સસ્પેન્ડ કરે છે, પરંતુ મોટા માથા વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે?
મોટા માથાઓને પકડો અને કાર્યવાહી કરો
SITના ફાઈનલ રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી, જે કસૂરવાર હોય તે તમામ વિરુદ્ધ ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ અને મોટા માથાઓને પકડો અને કાર્યવાહી કરો. અમારે બીજું કંઈ સાંભળવું નથી.
હાઈકોર્ટે આ સમગ્ર પ્રકરણમાં રાજકોટ મ્યુનિસિપિલ કમિશ્નરની મુખ્ય જવાબદારી ઠેરવી હતી, અને જણાવ્યું હતું કે આ મુદ્દો રાજકોટ અગ્નિકાંડ પૂરતો સીમિત નથી, પરંતુ આ બહું મોટો ઈશ્યું છે.
ચીફ જસ્ટીસે રાજ્ય સરકારને સાણસામાં લીધી
ચીફ જસ્ટીસે રાજ્ય સરકારને જોરદાર રીતે સાણસામાં લીધી હતી અને જણાવ્યું કે SITનો રિપોર્ટ દુર્ઘટના પૂરતો હશે, પરંતુ વિશાળ જનહિત અને પરિપ્રેક્ષ્યમાં સંપૂર્ણ તપાસ જરૂરી બને છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે SITના રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી. હાઈકોર્ટે હવે આ સમગ્ર મામલામાં શહેરી વિકાસના પ્રિન્સીપાલ સેક્રેટરીને તા 16 જુન સુધીમાં ત્રણ સભ્યોની હાઈલેવલની કમીટી બનાવવાનો હુકમ કર્યો છે, અને મનાપાના તમામ જવાબદાર અધિકારીઓ સામે ફેક્ટ ફાઈન્ડીંગ ઈન્કવાયરીનો રિપોર્ટ પંદર દિવસમાં સોપવાનો હુકમ કર્યો.
હાઈકોર્ટે સરકારના સત્તાવાળાઓને સીધો સવાલ પૂછ્યો હતો કે શું શાળામાં આગ લાગે તો કેવી રીતે બચવું તે અંગે બાળકોને અથવા સ્કૂલોને ખબર છે? શાળાઓમાં મોકડ્રીલ થતી નથી પરંતુ તે થવી જોઈએ.
મોટી માછલીઓ ક્યાં છે?
હાઈકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ કર્યો કે ટીઆરપી ગેમ ઝોનમાં ઉદ્ધાટન વખતના ફોટોગ્રાફમાં રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતના સંબધિત સત્તાવાળાઓ નજરે પડતા હતા તે મોટી માછલીઓ ક્યાં છે? એ લોકોને ખબર નહોતી કે આ કયા પ્રકારની જગ્યા છે.
અમારે કોઈ સોગંદનામાં જોવા જ નથી, માત્ર નક્કર પગલાં જોઈએ
હાઈકોર્ટે સરકારની તમામ દલીલો અને બચાવને ફગાવતાં જણાવ્યું કે અમારે કોઈ સોગંદનામાં જોવા જ નથી, માત્ર નક્કર પગલાં જોઈએ છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ અને સ્થાનિક સત્તાવાળાઓની સીધી અને ગંભીર બેદરકારી સામે આવી છે. તેઓની નિષ્કાળજીના કારણે જ આ દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષલોકોના અકાળે મોત થયા છે.








