મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉજવ્વળ ભવિષ્ય અંધારામાં! આદિવાસી વિદ્યાર્થીઓની કફોડી દશા, 361 શાળામાં માત્ર એક જ શિક્ષક

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ, અનેક વિકાસલક્ષી યોજના

ઉજવ્વળ ભવિષ્ય અંધારામાં! આદિવાસી વિદ્યાર્થીઓની કફોડી દશા, 361 શાળામાં માત્ર એક જ શિક્ષક

 વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ, અનેક વિકાસલક્ષી યોજના અમલમાં હોવા છતાય આદિવાસીઓ અનેક સમસ્યાઓથી પિડીત છે. સરકાર ભલે વિકાસના દાવાઓ કરે પણ કડવી હકીકત એ છે કે, આદિવાસી વિસ્તારોમાં પરિસ્થિતી ઠેરની ઠેર રહી છે. શિક્ષણ, આરોગ્યની સુવિધા હોય કે પછી નોકરી-રોજગારીની વાત હોય, આદિવાસીઓ હજુય લાભથી દૂર રહ્યાં હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે.

આદિવાસી પ્રભુત્વ ધરાવતાં વિસ્તારમાં વર્ગખંડોની ઘટ

આદિવાસી સમાજના વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે વાસ્તવકિત ચિત્ર કઇંક ઉલટુ છે. કડવી હકીકત એ છે કે, આદિવાસી પ્રભુત્વ ધરાવતાં 13 જીલ્લાઓમાં 9518 વર્ગખંડોની ઘટ છે. ત્રણ વર્ષમાં આદિવાસી વિસ્તારના માત્ર 169 ઓરડાઓ બની શક્યાં છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, આદિવાસી વિસ્તારોમાં કેટલી ઝડપે વિકાસ થઈ રહ્યો છે. 

આદિવાસી વિસ્તારમાં આંગણવાડીની હાલત પણ કફોડી

આદિવાસી વિસ્તારમાં 2292 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે એટલે કે, વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે ભૂલકાંઓને બેસવા માટે મકાન પણ ઉપલબ્ધ નથી. તે વરવી વાસ્તવિકતા છે. અંબાજીથી ઉમરગામ વિસ્તારની આદિવાસી વિદ્યાર્થીનીઓની હજારો સાઇકલો પણ ધૂળ ખાઈ રહી છે. 

શ્રમિકોને ઓછું વેતન ચૂકવાય છે

આ ઉપરાંત એક વર્ષ વિત્યું હોવા છતાં પણ આદિવાસી વિસ્તારમાં સ્વરોજગારી માટેની કીટનું વિતરણ સુદ્ધાં કરાયું નથી. આદિવાસી વિસ્તારમાં કુલ મળીને 2,67,724 બાળકો કુપોષિત છે જે ચિંતાજનક વાત છે. 100 દિવસ રોજગારીની-ગેરંટીની મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે - મનરેગામાં આદિવાસી વિસ્તારમાં 24થી 34 દિવસની રોજગારી આપવામાં આવે છે. એટલું જ નહીં, શ્રમિકોને ઓછું વેતન ચૂકવવામાં આવે છે.

બેરોજગારીના કારણે સ્થળાંતર

બેરોજગારીનો પ્રશ્ન વિકરાળ બન્યો છે જેનાથી આદિવાસી વિસ્તારમાંથી સૌથી વધુ સ્થળાંતર થઈ રહ્યા છે. અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના વિકાસના નામે વિવિધ યોજનાના માધ્યમથી ગેરરીતિ આચરી મળતિયા કોન્ટ્રાકટરો લાભો ચાઉં કરી રહ્યા છે છતાં સરકાર આદિવાસી સમાજના વિકાસના નામે જાહેરાતો કરી રહી છે. 

પાંચ વર્ષમાં નેશનલ ઓવરસીસ સ્કૉલરશિપ ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ હેઠળ એક જ વિદ્યાથીની પસંદગી થઈ

આદિવાસી વિદ્યાર્થીઓઓના શિક્ષણ-ઉત્થાનની માત્ર વાતો કાગળ ઉપર છે જ્યારે હકીકતમાં મીંડું છે. કેન્દ્ર સરકારની નેશનલ ઓવરસીસ સ્કૉલરશિપ ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ્સ યોજના હેઠળ વર્ષે માત્ર 20 સીટ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષમાં એક જ આદિવાસી વિદ્યાથીની પસંદગી થઈ છે. લાખો વિદ્યાથીઓ વિદેશ અભ્યાસ માટે જતા હોય ત્યારે દેશમાં માત્ર 20 આદિવાસી વિદ્યાથીઓને જ સ્કૉલરશિપનો લાભ મળે છે તે દુઃખદ છે. આદિવાસી વિસ્તારના લાખો વિદ્યાથીઓ સ્કૉલરશિપ જેવા લાભથી વંચિત રહે તે કેટલા અંશે યોગ્ય છે ?

પ્રિમેટ્રિક સ્કૉલરશિપનું ફંડ વધ્યું પણ આદિવાસી લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ

છેલ્લા 5 વર્ષમાં આદિવાસી વિદ્યાથીઓને પ્રિમેટ્રિક અને પોસ્ટમેટ્રિક વિદ્યાથીઓને અપાતી સ્કૉલરશિપની ગ્રાન્ટમાં - સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે લાભાર્થીઓમાં ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિદ્યાથીઓની સંખ્યામાં ઘટાડો થયો છે તે ચિંતા ઉપજાવે તેમ છે.

ગુજરાતમાં આદિવાસી વિદ્યાથીઓને પ્રિમેટ્રિક સ્કૉલરશિપ માટે વર્ષ 2019-2020માં રૂ. 3391.34 લાખનું ફંડ આપવામાં આવ્યું હતું. જ્યારે 2023-2024માં રૂ. 5770.95 લાખનું ફંડ આપવામાં આવ્યું હતું.

પોસ્ટ- મેટ્રિક સ્કૉલરશિપ માટે વર્ષ 2019-2020માં રૂ. 22883.89 લાખનું ફંડ આપવામાં આવ્યું જ્યારે વર્ષ 2023-2024માં રૂ. 29051.45 લાખનું ફંડ આપવા આવ્યું છે. આમ, ફંડ વધારવામાં આવ્યું છતાંય આદિવાસી લાભાર્થીઓ ઘટતા જાય છે, આ કેવી આદિવાસીઓની વિકાસલક્ષી યોજના છે.

આ સમાચાર શેર કરો