Vadodara/ થારનો કહેર: મહિલા ચાલકે યુવકને ફંગોળ્યો, નિર્દોષ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
Accident In Vadodara: વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત મોડી રાત્રે

Accident In Vadodara: વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત મોડી રાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા દ્વારા બેફામ ગતિએ વાહનો હંકારવાની લ્હાયમાં વધુ એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પર પૂરપાટ ઝડપે આવતી થાર ગાડીએ એક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઋષિકાબેન સરનાની નામની મહિલા પોતાની થાર ગાડી લઈને પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ વાહન પરનો કાબૂ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે અભિષેક ફંગોળાયો હતો અને તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. આ મામલે વડોદરાના DCP મંજિતા વણઝારાએ સત્તાવાર નિવેદન આપી કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
વધારાની આવક માટે કરેલી મહેનત ‘કાળ’ બની
મૃતક અભિષેક મોરે એમેઝોનમાં નોકરી કરતો હતો, પરંતુ પરિવારને વધુ આર્થિક મદદ મળી રહે તે હેતુથી તેણે ફૂડ ડિલિવરીની વધારાની નોકરી શરૂ કરી હતી. કમનસીબી એ છે કે, આ નવી નોકરીનો આજે તેનો પહેલો જ દિવસ હતો, જે તેની જિંદગીનો અંતિમ દિવસ સાબિત થયો. અભિષેકના અચાનક અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
DCP મંજિતા વણઝારાનો ખુલાસો: કોણ હતું કારમાં?
ઘટના અંગે વિગતો આપતા DCP મંજિતા વણઝારાએ જણાવ્યું કે, "ગત રાત્રે ૧ વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. કારમાં ત્રણ યુવતીઓ સવાર હતી, જેઓ લગ્ન પ્રસંગ પતાવીને ઘરે જઈ રહી હતી. કાર ચલાવનાર યુવતીની ઓળખ ઋષિકા સદનાની તરીકે થઈ છે, જે MSUમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેની સાથે કારમાં તનીષા અને વિસ્મય પટેલ પણ હાજર હતા."
પોલીસ કાર્યવાહી અને ફરિયાદ
ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અભિષેકનો મૃતદેહ કબજે કરી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. મૃતકના પિતા વાસુદેવભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થાર ચાલક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મહિલા ચાલકની ધરપકડ કરવાની અને વાહન જપ્ત કરવાની દિશામાં તપાસ તેજ કરી છે.
-
પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં યુવતીએ નશો કર્યો હોય તેવું જણાતું નથી, પરંતુ બ્લડ રિપોર્ટ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
-
કાર ચલાવનાર યુવતી પાસે લાયસન્સ મળી આવ્યું છે, જ્યારે થાર ગાડીના અસલી માલિક કોણ છે તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.
-
પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. DCPએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ થશે, તો જવાબદારો સામે કડક એક્શન લેવાશે.
પરિવારમાં આક્રંદ
દીકરાના મોતના સમાચાર મળતા જ મોરે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અચાનક આભ તૂટી પડતા પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું. બીજી તરફ, વડોદરાના પોશ વિસ્તારોમાં રાત્રિના સમયે નબીરાઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ ડ્રાઇવિંગ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.






