મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: ટાઉનશિપમાં લુખ્ખાઓનો આતંક, સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો

શહેરની ટાઉનશિપમાં અસામાજિક તત્વોનો ત્રાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. લુખ્ખા

Rajkot: ટાઉનશિપમાં લુખ્ખાઓનો આતંક, સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો

શહેરની ટાઉનશિપમાં અસામાજિક તત્વોનો ત્રાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. લુખ્ખાઓએ ટાઉનશિપમાં ઘૂસીને સીધા સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાએ વિસ્તારમાં પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

શું છે સમગ્ર મામલો?

માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ટાઉનશિપમાં યશ ડાભી નામના યુવકે સોસાયટીના પ્રમુખ પર હુમલો કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હુમલાખોર યશ ડાભી અવારનવાર દારૂ અને ગાંજાનું સેવન કરીને સોસાયટીમાં આવતો હતો. હુમલાનું મુખ્ય કારણ એ હતું કે યશ ડાભી અન્ય સોસાયટીમાં રહેતો હોવાથી તેને ટાઉનશીપની નવરાત્રીમાં પ્રવેશવા માટે ના પાડવામાં આવી હતી. આનાથી ઉશ્કેરાઈને તેણે સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કર્યો હતો.

મહિલાઓ અને દીકરીઓ અસુરક્ષિત

સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે દારૂ અને ગાંજો પીનાર આ લુખ્ખાઓના કારણે સોસાયટીની મહિલાઓ અને દીકરીઓ પોતાને અત્યંત અસુરક્ષિત અનુભવી રહી છે. વિસ્તારમાં લુખ્ખાઓની પ્રવૃત્તિઓ વધી રહી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી થતી નથી, જેના કારણે આવા તત્વો બેફામ બન્યા છે.

માલવિયા પોલીસની કામગીરી પર સવાલ:

આ ઘટનાએ માલવિયા પોલીસની કામગીરીને લઈને સોસાયટીના લોકોમાં ભારોભાર રોષ જગાવ્યો છે. હુમલાની ઘટના બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર મોટો સવાલ ઊભો થયો છે.

નોંધનીય છે કે, થોડા સમય અગાઉ દિવાળીની રાત્રે ટ્રિપલ મર્ડરની ઘટનામાં બંને દીકરા ગુમાવનારા પિતાએ પણ પોલીસને આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની ફરિયાદ કરી હતી. આ સંજોગોમાં સવાલ એ થાય છે કે શું માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હવે ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો છે? 

આ સમાચાર શેર કરો