"તારા બાપનો બગીચો છે!" કહી શિક્ષિકાએ લાફા માર્યા, બાળકે બીજા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ
મહેસાણાના કડી શહેરની એક ખાનગી શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી અને ચોંકાવનારી

મહેસાણાના કડી શહેરની એક ખાનગી શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્લાસરૂમમાં અપમાન અને શારીરિક સજાથી કંટાળીને ધોરણ-6માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ શાળા સંકુલના બીજા માળેથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે.
"તારા બાપનો બગીચો છે!" શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને કરેલું અપમાન
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના પાછળનું કારણ શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનું કરેલું અપમાન અને માર હોવાનું સામે આવ્યું છે. શિક્ષિકાએ વિદ્યાર્થીને ઠપકો આપતા કહ્યું કે: "કલાસરૂમમાં કેમ આવ્યો.. તારા બાપનો બગીચો છે!" આ સાથે જ શિક્ષિકાએ ધોરણ-6ના આ વિદ્યાર્થીને 4 લાફા મારીને ક્લાસરૂમમાંથી બહાર કાઢી મૂક્યો હતો અને સજા રૂપે બહાર બેસાડી દીધો હતો.
શિક્ષિકા દ્વારા કરાયેલા અપમાન અને મારથી બાળકને ખૂબ જ લાગી આવતા, તેણે શાળા સંકુલના બીજા માળેથી કૂદકો મારી દીધો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
વાલીના ગંભીર આરોપો, CCTV ફૂટેજ પોલીસને સુપરત
આ દુર્ઘટના બાદ બાળકના વાલીએ શાળા સંચાલન અને શિક્ષિકા પર ગંભીર આરોપો લગાવ્યા છે. જીગ્નેશ રામી (બાળકના વાલી) એ જણાવ્યું હતું કે આ પ્રકારના માનસિક ત્રાસ અને શારીરિક સજાને કારણે જ તેમના બાળકે આત્મઘાતી પગલું ભર્યું છે. આ સમગ્ર સંવેદનશીલ ઘટના શાળાના CCTV કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ હાથ ધરી છે. ઘટના બાદ બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
શાળા સંચાલકોના નિવેદનો
પોલીસ સ્ટેશન સુધી પહોંચેલા આ મામલે શાળાના સંચાલકોએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. સાયના નાયર (પ્રિન્સીપાલ) અને બાબુ નાયર (શાળા સંચાલક) દ્વારા આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે, પરંતુ શિક્ષિકાના વર્તનને લઈને પોલીસ સમક્ષ તપાસમાં સહયોગ આપવાની વાત કરી છે.








