TAT- માધ્યમિકની પ્રિલિમ્સનું સત્તાવાર પરિણામ જાહેર, ઓગસ્ટ મહિનામાં યોજાશે મુખ્ય પરીક્ષા
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 'શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)- 20

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 'શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)- 2026' (TAT-S)ની પ્રાથમિક પરીક્ષાનું સત્તાવાર પરિણામ આજે(4 જુલાઈ)એ જાહેર કર્યું છે. જેમાં 75,980 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. ઉમેદવાર બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી પોતાનું પરિણામ જોઈ શકશે. ભરતી બોર્ડ અનુસાર, TAT-(માધ્યમિક)ની મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ 16 ઓગસ્ટ, 2026 જાહેર કરી છે.
TAT (માધ્યમિક) પરીક્ષાના પરિણામમાં 75,980 ઉમેદવારો પાસ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક રાપબો/TAT-S/2026/5439-43 હેઠળ TAT-(માધ્યમિક) ભરતીની પરીક્ષા ગત 3 મે, 2026ના રોજ પરીક્ષા લેવાઈ હતી. TAT(માધ્યમિક)-2026 પરીક્ષાના પ્રાથમિક પરિણામમાં ગુજરાતી માધ્યમમાં 1,81,520 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 74,118 ઉમેદવારો પાસ થયા છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 3,510 હાજર ઉમેદવારોમાંથી 1,862 ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે પાસ થયા છે. ઉલ્લેખનીય છે કે, 120થી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 3,628 નોંધાઈ છે.
આ રીતે ચકાસો પરિણામ
ઉમેદવારો પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ http://www.sebexam.org પર જઈને પોતાના બેઠક નંબર અને જન્મ તારીખ નાખીને જોઈ શકશે.
ઉમેદવારો OMR શીટની પુનઃચકાસણી માટે આગામી 7 જુલાઈ 2026 થી 15 જુલાઈ 2026 સુધી રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-21, ગાંધીનગર ખાતે કામકાજના દિવસોમાં સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી રૂબરૂ જઈને 100 રૂપિયા ફી ભરીને લેખિત અરજી સાથે રિ-ચેકિંગ કરાવી શકશે. 15 જુલાઈ પછી આ અંગેની કોઈ અરજી ધ્યાને લેવાશે નહીં.
16 ઓગસ્ટે મુખ્ય પરીક્ષાનું સંભવિત આયોજન
બોર્ડ દ્વારા 16 ઓગસ્ટ 2026ના રોજ મુખ્ય પરીક્ષાનું સંભવિત આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોએ કોઈ અલગથી નવું આવેદન પત્ર ભરવાનું રહેશે નહીં કે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. હોલ ટિકિટ અને પરીક્ષા કેન્દ્ર અંગેની માહિતી મેળવવા માટે ઉમેદવારોએ બોર્ડની વેબસાઈટ સતત જોતા રહેવું.








