Video: રાજકોટમાં સૂરજેવાલાના સરકાર પર પ્રહાર, દુષ્કાળથી લઈને વીજ સંકટ સુધીના મુદ્દે ઘેર્યા

રાજકોટમાં દુષ્કાળ, ખેડૂતોને વળતર, વીજ સંકટ અને મોરબીના સિરામિક ઉદ્યોગની કથળતી સ્થિતિ સહિતના મુદ્દે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રણદીપ સૂરજેવાલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાજકોટમાં કોંગ્રેસની બેઠક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં ઓછા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે, છતાં સરકાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી નથી.
ખેડૂતોને પોર્ટલ રજિસ્ટ્રેશનમાંથી દૂર કરાયાનો આક્ષેપ
સૂરજેવાલાએ કહ્યું કે આજી અને ભાદર ડેમમાં માત્ર 50 ટકા પાણી બચ્યું છે. મગફળી અને કપાસના ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર તાત્કાલિક જાહેર કરવાની તેમણે માગ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, મગફળીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 9,000 હોવો જોઈએ, જ્યારે સરકારે રૂ. 7,500 જાહેર કર્યા છે. તેમણે 80 હજાર ખેડૂતોને પોર્ટલ રજિસ્ટ્રેશનમાંથી દૂર કરાયાનો પણ આક્ષેપ કર્યો હતો.
ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગ
ખેતરોમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજલાઈનોના મુદ્દે તેમણે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગ કરી હતી. સોલાર પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતોને 25 વર્ષ સુધી વાર્ષિક રૂ. 30 હજાર ચૂકવવાની પણ તેમણે રજૂઆત કરી હતી.
સરકાર સબસિડી આપતી નથી
મોરબીના સિરામિક ઉદ્યોગની સ્થિતિ અંગે સૂરજેવાલાએ જણાવ્યું કે બજારમાં 25 ટકા ઘટાડો થયો છે અને 550થી વધુ ફેક્ટરીઓ બંધ થઈ ચૂકી છે. ગેસના ભાવમાં વધારાને કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં છે, છતાં સરકાર સબસિડી આપતી નથી.
આ ઉપરાંત તેમણે ગુજરાતમાં વીજ કાપ, ડ્રગ્સની હેરાફેરી અને TRP ગેમઝોન અગ્નિકાંડમાં ન્યાયમાં વિલંબ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ આ મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈ વિકાસ, પારદર્શિતા અને ખેડૂતોના હિત માટે લડશે.















