બાલાસિનોરમાં SMCનો સપાટો; દોઢ કરોડના દારૂ સાથે 7ની ધરપકડ, 16 વોન્ટેડ જાહેર
મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ની ટીમે દરોડા દરમિયાન દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાલાસિનોર GIDCમાં આવેલા એક ગોડાઉનમાં ચાલતી વિદેશી દારૂની મહેફિલ અને સંગ્રહ પર પોલીસે કાર્યવાહી કરી અંદાજે દોઢ કરોડના દારૂના જથ્થા સાથે કુલ 1.86 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
1.56 કરોડથી વધુની કિંમતનો દારૂ-બિયર જપ્ત
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે બાલાસિનોર GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ગોડાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ(IMFL) અને બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કુલ 41,600 બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 1,56,81,120 રૂપિયા થાય છે.
વાહન અને મોબાઈલ સહિત 1.86 કરોડનો મુદ્દામાલ કબજે
પોલીસે દારૂના જથ્થા ઉપરાંત સ્થળ પરથી 3 વાહનો, 8 મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અન્ય સાધનો મળીને કુલ 1,86,24,850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેનો સપ્લાય ક્યાં થવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
7 આરોપીઓની ધરપકડ, 16 વોન્ટેડ જાહેર
આ દરોડા દરમિયાન સ્થળ પરથી પોલીસે 7 શખસોને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરોને પણ પોલીસે અટકાયતમાં લીધા છે. જો કે, મુખ્ય સૂત્રધારો સહિત અન્ય 16 આરોપીઓ પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયા છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
સમગ્ર મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એકસાથે આટલી મોટી માત્રામાં દારૂ પકડાતા સ્થાનિક પોલીસ બેડામાં પણ ભારે દોડધામ મચી જવા પામી છે.








