સુરેન્દ્રનગર કૌભાંડ મામલો: તપાસ એજન્સીઓની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં ,EDની એન્ટ્રી બાદ મામલો ગરમાયો
સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાની જમી

સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાની જમીનને ગેરકાયદેસર રીતે બિનખેતી કરવાના મોટા કૌભાંડમાં હવે તપાસ એજન્સીઓની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પણ ACB છેલ્લા 48 કલાકથી મૌન સેવતી નજરે પડી રહી છે.
કલેકટર સહિત ચાર અધિકારીઓ સામે ગુનો નોંધાયો
ACBએ આ જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત કુલ ચાર સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ગુનો
• કલેકટર રાજેન્દ્ર પટેલ
• નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી
• ક્લાર્ક મયુર ગોહિલ
• પી.એ. જયરાજસિંહ ગોહિલ
તમામ આરોપીઓ પર કરોડો રૂપિયાની જમીનને ગેરકાયદેસર રીતે બિનખેતી કરવાના ગંભીર આરોપો લાગેલા છે.મળતા અહેવાલ પ્રમાણે કલેકટર અંગે તપાસ માટે સરકારની મંજૂરી જરૂરી છે. ACB દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલની મિલકત, બેંક ખાતાં અને લોકરની તપાસ કરવા માટે નિયમ અનુસાર રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. મંજૂરી મળ્યા બાદ તપાસને વધુ તેજ કરવામાં આવશે.
બીજા ત્રણ આરોપીઓ પર તપાસ… પરંતુ ખુલાસો શૂન્ય
કલેકટર સિવાયના અન્ય ત્રણ આરોપીઓ સામે ACBને સીધી કાર્યવાહી કરવાની સત્તા હોવા છતાં, ફરિયાદ નોંધાયા બાદ 48 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો છે. છતાં હજુ સુધી ACB દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી. માત્ર “તપાસ ચાલુ છે” એવું કહીને મામલાને ટાળવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
• કયા સ્થળે તપાસ કરવામાં આવી?
• કેટલી રોકડ જપ્ત કરવામાં આવી?
• કોઈ બેનામી મિલકત અથવા શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા કે નહીં?
EDની એન્ટ્રી બાદ મામલો ગરમાયો
થોડા દિવસો પહેલાં દિલ્હીની EDની ટીમે સુરેન્દ્રનગરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેટલાક મહત્વના પુરાવા સામે આવતા, 23 ડિસેમ્બરે ED દ્વારા ACBમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. EDની ફરિયાદ બાદ મામલો વધુ ગંભીર બન્યો છે અને હવે ACBની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.
ACB ‘કુલડીમાં ગોળ ભાગે છે’ તેવી ચર્ચાઓ
કલેકટરનું નામ સામે આવતા જ ACB દ્વારા ધીમી કાર્યવાહી થતી હોવાની ચર્ચાઓ તેજ બની છે. તપાસના નામે ફાઈલોમાં જ ઘોડા દોડાવવાની શરૂઆત થઈ હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. શું આ કૌભાંડમાં મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? એવો સવાલ હવે જાહેરમાં ઉઠી રહ્યો છે.
નજર રાજ્ય સરકારની મંજૂરી અને ACBની આગામી કાર્યવાહી પર
હાલ સમગ્ર રાજ્યની નજર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનારી મંજૂરી અને ત્યારબાદ ACB દ્વારા થનારી વાસ્તવિક કાર્યવાહી પર મંડાઈ છે. કરોડોના જમીન કૌભાંડમાં શું ખરેખર દોષિતો સામે કડક પગલાં લેવાશે કે પછી તપાસ ફાઈલો સુધી જ સીમિત રહી જશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.








