Surat / ડુમસ સી ફેસ પર હવે ફ્રી એન્ટ્રી બંધ! જાણો કેટલી ટિકિટ અને પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે

સુરતીઓના મનગમતા સ્થળ એવા ડુમસ સી ફેસ ખાતે અત્યારસુધી પ્રવાસીઓ માટે પ્રવેશ અને પાર્કિંગ માટે કોઈ ચાર્જ લાગુ ન હતો. જોકે હવે તેમાં ફેરફાર કરતા ખિસ્સું હળવું કરવું પડી શકે છે. વોટર રીસોસીર્સ એન્ડ રીક્રીએશન સેલ દ્વારા ડુમસ સી ફેસ પ્રોજેક્ટના ઝોન-1 ખાતે પ્રવેશ ફી અને પાર્કિંગ ફીના દર નક્કી કરવાની દરખાસ્તને શનિવારે (21 નવેમ્બર) મળેલી સુરત મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
પ્રવાસીઓના ધસારા અને નિભાવ ખર્ચને પહોંચી વળવા ટિકિટ દર લાગુ કરાયા
ડુમસ સી ફેસ ખાતે દૈનિક ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓના ધસારા, પ્રોજેક્ટની જાળવણી અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી ઉપરાંત, વીજ બિલ તેમજ અન્ય નિભાવ ખર્ચને ધ્યાને રાખી અહીં ટિકિટના દર લાગુ કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને સુરત મનપાએ મંજૂર કરી દેવાતા ટિકિટના નવા દર લાગુ કરી દેવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે જ્યાં સુધી આર.એફ.પી દ્વારા નવી એજન્સીની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી લાગુ કરાયેલા આ દર અમલી રહેશે.
કેટલા રહેશે ટિકિટના દર
12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ દીઠ પ્રતિ દિન રૂ.20
3થી 12 વર્ષના બાળકો માટે પ્રતિ દિન રૂ. 10
65 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે પ્રતિ દિન રૂ.10
3 વર્ષ સુધીના નાના બાળકો માટે પ્રવેશ સંપૂર્ણપણે ફ્રી રહેશે
લાગુ કરાયેલા પાર્કિંગના દર
ફોર વ્હીલર માટે રૂ. 30
થ્રી વ્હીલર વાહન માટે રૂ. 25
ટુ વ્હીલર વાહન માટે રૂ. 10
બસ તેમજ હેવી કોમર્શિયલ વ્હીકલ માટે રૂ. 90
ઈલેક્ટ્રીક વાહન માટે પાર્કિંગ ચાર્જ ફ્રી
હવે આ દરખાસ્ત સામાન્ય સભામાં રજૂ કરાશે
નોંધનીય છે કે, ડુમસ સી ફેસના પ્રવેશ તેમજ પાર્કિંગ ચાર્જને સુરત મનપાની સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી અપાયા બાદ હવે આ દરખાસ્ત સામાન્ય સભા સમક્ષ અંતિમ નિર્ણય માટે રજૂ કરવામાં આવશે.














