Video: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ ‘અમ્મા’ અમદાવાદમાં, મુખ્યમંત્રીએ કચ્છના ભૂકંપ અને સુરતના પૂર સમયે કરેલી સહાયને યાદ કરી

કેરળના પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયી દેવી અમ્મા અમદાવાદની મુલાકાતે આવ્યા છે. અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે તેમના સત્સંગ, ધ્યાન અને ભજનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંબોધન કરતા મુખ્યમંત્રીએ સેવા, કરુણા અને ત્યાગની મૂર્તિ સમાન અમ્માના ચરણોમાં વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું કે અહીં ઉપસ્થિત રહેવું તેમના માટે આનંદ અને ગૌરવની વાત છે. સત્પુરુષોની ભક્તિ શક્તિ હંમેશા પરોપકાર માટે હોય છે અને અમ્મા દરેક વ્યક્તિમાં ઈશ્વરનો અંશ જુએ છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમ્માના સેવાકાર્યોને બિરદાવે છે. અમૃતશક્તિ અભિયાન થકી અમ્મા સમાજમાં જાગૃતિ અને યુવા સશક્તિકરણનું કાર્ય કરી રહ્યા છે. આપત્તિ સમયે પણ અમ્માની પ્રેરણાથી ૨૦૦૧ના કચ્છ ભૂકંપમાં ૩ ગામોનું પુનઃનિર્માણ અને ૨૦૦૬ના સુરત પૂરમાં તબીબી ટીમ તથા દવાઓ મોકલી માનવતાની મહેક પ્રસરાવવામાં આવી હતી.
















