મજા પડે તો તરત હું મિજાજ બદલું છું...............રાજેન્દ્ર શુક્લ

ગુજરાતી સાહિત્ય જગતમાં પોતાની અનોખી કલમ અને ઊંડા ચિંતનથી આગવું સ્થાન મેળવનાર ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની આજે વિદાય થઈ છે. આ સાથે સાહિત્યની દુનિયામાં મોટી ખોટ સર્જાઈ છે. તેમના અવસાન સાથે ગુજરાતી ગઝલ અને કવિતાના એક સુવર્ણ અધ્યાયનો અંત આવ્યો છે.
શબ્દોને માત્ર લાગણીઓ વ્યક્ત કરવાનું સાધન નહીં, પરંતુ આત્માની અનુભૂતિ અને જીવનદર્શનનું માધ્યમ બનાવનાર રાજેન્દ્ર શુક્લએ પોતાની સર્જનાત્મક સફર દરમિયાન ગુજરાતી સાહિત્યને અનેક અમૂલ્ય કૃતિઓની ભેટ આપી હતી. તેમની રચનાઓમાં આધ્યાત્મિકતાની ઊંડાઈ, પ્રકૃતિની સુંદરતા, માનવીય લાગણીઓ અને જીવનના રહસ્યોનું સુંદર પ્રતિબિંબ જોવા મળતું હતું. તેમની કલમમાંથી સર્જાયેલા શબ્દો અને કાવ્યો ગુજરાતી સાહિત્યપ્રેમીઓના હૃદયમાં હંમેશાં જીવંત રહેશે. તેમની રચાનાના અમુક અંશ અહીં રજૂ કરવામાં આવ્યા છે.
મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે, પણ અવાજ બદલું છું.
રમતરમતમાં હું રસ્મો-રિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.
સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું.
પ્રજળતું કૈંક રહે છે હંમેશા હોઠો પર,
કદીક શબ્દ, તો ક્યારેક સાજ બદલું છું.
સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી,
દરદ બદલતું નથી, તો ઈલાજ બદલું છું.
– રાજેન્દ્ર શુક્લ
સામાં ય ધસી જઈયેં, આઘાં ય ખસી જઈયેં,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાં ય વસી જઈયેં!
આમે ય વીતવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈયેં!
એકેક કસોટીમાં છે પાર ઊતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એને ય કસી જઈયેં!
આ ફીણ તરંગોના છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઈયેં!
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવું ય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઈયેં!
– રાજેન્દ્ર શુક્લ
એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિ આધ,
સબદ સાંસ સંગત બડી, સાધ સકે તો સાધ.
જે કંઈ લીધું શ્વાસમાં, ધરી દીધું નિરબાધ,
મૂળગું તે અકબંધ આ, નહીં નફો, નહીં ખાધ.
નિરખ નિરખ નેણાં ઠરે, હલે ચલે અબ કોણ,
આજુબાજુ ઊછળે ઝળહળ જોત અગાધ.
કોણ જનમરો તપ ફળ્યો, કોણ જનમરો જાપ,
આપ પ્રકાસ્યો આપલગ, આપ ચગ્યો આરાધ.
આપે તોરણ બાંધિયો, આપ ઉઘાર્યો દ્વાર,
આપે ચાલી આવિયો, આપ કટ્યો અપરાધ.
– રાજેન્દ્ર શુક્લ











