"મેં સોનું ન ખરીદવાની અપીલ કરી ત્યારે લોકોએ મજાક ઉડાવી હતી, પણ આજે..." લખનઉથી PM મોદીનું મોટું નિવેદન

"મેં સોનું ન ખરીદવાની અપીલ કરી ત્યારે લોકોએ મજાક ઉડાવી હતી, પણ આજે..." લખનઉથી PM મોદીનું મોટું નિવેદન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લખનઉમાં આયોજિત 5માં રાષ્ટ્રીય કૌશલ્ય દીક્ષાંત સમારોહને સંબોધિત કરતાં દેશના યુવાનો અને સ્કિલ ડેવલપમેન્ટના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને સોનાની ખરીદીને લઈને અગાઉ આપેલી પોતાની સલાહનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે-'લગભગ એક વર્ષ પહેલાં તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે જો ખૂબ જ જરૂરી ન હોય તો સોનું ન ખરીદે. તે સમયે ઘણા લોકોએ તેમની આ વાતની મજાક ઉડાવી હતી.'

સોનાની ખરીદી ઘટાડવાની અપીલથી લોકોને થયો આર્થિક ફાયદો

જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'એક વર્ષ પહેલાં મેં દેશવાસીઓને અપીલ કરી હતી કે જો ખૂબ જ જરૂરી ન હોય તો કૃપા કરીને એક વર્ષ સુધી સોનું ન ખરીદો. તે સમયે ઘણા લોકોએ તેમની આ વાતની મજાક ઉડાવી હતી, મને એ વાતનો આનંદ છે કે જે રીતે એક સમયે લાલ બહાદુર શાસ્ત્રીજીએ દેશવાસીઓને એક સમયનું ભોજન છોડવાની અપીલ કરી હતી અને સમગ્ર દેશે તેમની વાત માની હતી, મારા દેશનો સ્વભાવ આજે પણ એવો જ છે. મારા જેવા એક સામાન્ય વ્યક્તિએ ઓછું સોનું ખરીદવાની વાત કરી અને દેશવાસીઓએ સોનાની ખરીદી ઘટાડી. તેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો. આજે લોકો મને કહી રહ્યા છે કે મોદીજી, તમે કહ્યું હતું એટલે અમે તમારી સલાહ માની અને અમારા પૈસા બચી ગયા.'

IIT અને ITI બંને દેશની અસલી સંપત્તિ અને ભવિષ્ય

તેમણે કહ્યું-'આજે સવારે હું દિલ્હીથી નીકળીને બંગાળ ગયો હતો, જ્યાં મારો પ્રથમ કાર્યક્રમ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (IIT)માં હતો. IITના વિદ્યાર્થીઓ વચ્ચે જે ઊર્જા, સપનાં, આશાઓ અને આકાંક્ષાઓ સાથે હું ગયો હતો, આજે એ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઔદ્યોગિક તાલીમ સંસ્થાન (ITI)ના વિદ્યાર્થીઓ વચ્ચે આવ્યો છું. મારા માટે IIT હોય કે ITI, બંને મારા દેશની અસલી સંપત્તિ છે, દેશની તાકાત છે અને દેશનું ભવિષ્ય છે.'

ITIમાં શીખેલું કૌશલ્ય વિકસિત ભારતની મોટી શક્તિ બનશે

વડાપ્રધાને જણાવ્યું કે, 'ભલે IIT હોય કે ITI, મારા માટે તો આ બંને દેશની અમાનત છે. આ જ મારા દેશની તાકાત છે અને આ જ મારા દેશનું ભવિષ્ય છે. ITIમાં અભ્યાસ કરીને તમે જે કૌશલ્ય શીખ્યા છો, તે હવે વિકસિત ભારતની મોટી ઊર્જા બનવાનું છે. ભારતમાં કૌશલ્ય વ્યવસ્થાના પતન પાછળ એક અન્ય કારણ પણ જવાબદાર રહ્યું છે.'

આક્રમણકારીઓએ ભારતના કારીગરોના કૌશલ્યને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો

'જ્યારે આપણા દેશમાં આક્રમણકારીઓ આવ્યા ત્યારે આપણો દેશ સુવર્ણ યુગમાં હતો અને સમગ્ર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર પણ હતો અને ઈર્ષ્યાનું કેન્દ્ર પણ હતો. જ્યારે તેઓ ભારતમાં આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલો પ્રહાર આપણા કૌશલ્ય પર કર્યો. આપણા કારીગરો એવી વસ્તુઓ બનાવતા હતા જે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ગણાતી હતી. તેમની આ કુશળતાને નષ્ટ કરવા માટે કારીગરોના અંગૂઠા કાપી નાખવામાં આવતા હતા. આવું શા માટે કરવામાં આવતું હતું? કારણ કે આક્રમણકારીઓ જાણતા હતા કે કૌશલ્ય અને હાથની આવડત જ ભારતને મહાન અને સમૃદ્ધ બનાવી રહી છે. તેથી જો ભારતની શક્તિ નષ્ટ કરવી હોય તો તેના કૌશલ્યને નબળું પાડવું જરૂરી છે.'

અંગ્રેજોની શિક્ષણ વ્યવસ્થાએ કૌશલ્યને બદલે ક્લાર્ક બનાવ્યા

'ત્યારબાદ અંગ્રેજો આવ્યા તો તેમણે પોતાની રીત બદલી. તેમણે મેકોલે દ્વારા દેશના લોકો પર એવી શિક્ષણ વ્યવસ્થા લાદવાની શરૂઆત કરી, જેમાં આપણી કૌશલ્ય આધારિત વ્યવસ્થા માત્ર કાગળ પર કામ કરતા ક્લાર્ક તૈયાર કરવા સુધી મર્યાદિત થઈ ગઈ. અંગ્રેજોએ પણ ભારતમાં કૌશલ્યને નષ્ટ કરીને પોતાના દેશના ઉદ્યોગોને આગળ વધાર્યા. તેઓ અહીંથી તમામ વસ્તુઓ લઈ ગયા અને સમય જતાં અંગ્રેજોની કાગળ પર કામ કરવાની વ્યવસ્થાને સમાજમાં સન્માનની નજરે જોવામાં આવવા લાગી.'

ITIના વિદ્યાર્થીઓને પણ IIT જેટલું સન્માન અપાવવાનો સંકલ્પ

તેમણે આગળ કહ્યું-'આપણા સમાજની સ્થિતિ એવી બની ગઈ છે કે જો કોઈ બાળક ITIમાં પ્રવેશ મેળવે તો તેના માતા-પિતા સગાં-સંબંધીઓને આ વાત જણાવતા પણ નથી. આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. પરંતુ મેં નક્કી કર્યું છે કે મારે આ પરિસ્થિતિ બદલવી છે. IITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેટલું સન્માન મળશે, એટલું જ સન્માન મારા ITIના વિદ્યાર્થીઓને પણ મળશે.'

આ સમાચાર શેર કરો

જાહેરાત