VIDEO : "મેં મારી નજરે 14 મૃતદેહ જોયા", લખનૌ અગ્નિકાંડ પર બોલતા રડી પડ્યા ડેપ્યુટી CM બ્રજેશ પાઠક

ઉત્તર પ્રદેશના લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં મૃતકોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. જેમાં 3 મહિલાઓ અને 12 પુરુષો સામેલ છે. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે.આ દર્દનાક ઘટના પર યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક ભાવુક થઈ રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 14 બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તે તમામને હોસ્પિટલ ખસેડાયા છે. આ એક બહુ મોટી દુર્ઘટના છે અને અંદર હજુ પણ ભારે ધુમાડો છે.
તેમણે વધુમાં ઉમેર્યું, "બિલ્ડિંગમાંથી દરેક વસ્તુને હટાવીને તપાસ કરવામાં આવી રહી છે, અને એક-એક રૂમની તલાશી લેવાઈ રહી છે. અંદર લાકડાનું ઘણું ફર્નિચર હતું અને તે ફર્નિચર સળગવાને કારણે નીકળેલા કાળા ધુમાડા લીધે અંદર કંઈપણ સ્પષ્ટ દેખાઈ રહ્યું નથી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ અંદર કાર્યરત છે અને NDRFની ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે."
જીવ ગુમાવનારા 16-17 વર્ષની ઉંમરના બાળકો
ડેપ્યુટી સીએમએ જણાવ્યું કે, "આગ અચાનક લાગી હતી; આ એક એનિમેશન સેન્ટર હતું. બાળકો અહીં એનિમેશન એટલે કે કાર્ટૂન બનાવવાનું શીખવા આવતા હતા. આ ઘટના અસલમાં કેવી રીતે શરૂ થઈ તે અંગે મને હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. તમામ ઈજાગ્રસ્તોને KGMC ટ્રોમા સેન્ટર મોકલવામાં આવી રહ્યા છે. જીવ ગુમાવનારા બાળકોની ઉંમર આશરે 16-17 વર્ષની હતી. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પ્રિન્સિપલ સેક્રેટરી (ગૃહ) અને DGPને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે અને તેમને કારણોની તપાસ કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. મેં મારી પોતાની આંખોથી 14 શવ જોયા છે."
અગ્નિકાંડ પર સીએમ યોગી આદિત્યનાથે શું કહ્યું?
આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, "મારી હાર્દિક ઈચ્છા હતી કે આજે હું અલીગઢમાં રહું, પરંતુ મને અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે હમણાં જ મને માહિતી મળી છે કે લખનૌમાં અગ્નિકાંડની એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. તેની ઝપેટમાં કેટલાક બાળકો આવ્યા છે અને તેમનું કમકમાટીભર્યું મોત થયું છે, તેથી મારે તાત્કાલિક લખનૌ પરત ફરવું પડી રહ્યું છે. જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે પરિવારો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. આ સમગ્ર મામલે મેં પોલીસ મહાનિર્દેશક (DGP) અને અપર મુખ્ય સચિવ (ગૃહ)ને ઘટનાસ્થળે જઈને રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. હું પોતે પણ ત્યાં જઈ રહ્યો છું, જેથી આ સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચીને દોષિતોને કડક સજા અપાવી શકાય અને પીડિત પરિવારોને સાંત્વના આપી શકાય."
યુપીની રાજધાની લખનઉમાં સોમવારે બપોરે 2:15 વાગ્યે એક બિલ્ડિંગમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં 3 મહિલાઓ અને 12 પુરુષો સામેલ છે. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે.
જે બિલ્ડિંગમાં આગ લાગી, તે અલીગંજ વિસ્તારમાં આવેલી છે. બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને પ્રથમ માળ પર પેટ શોપ અને ક્લિનિક છે. બીજા માળ પર 'લર્નિંગ સ્પેસ' નામની લાઇબ્રેરી (કોચિંગ) અને 'હેડ હોપર સ્ટુડિયો' છે, જેમાં 3D આર્ટ પ્રોડક્શન અને ગેમ એસેટ આઉટસોર્સિંગનું કામ થાય છે.

