VIDEO : લખનૌના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ: જીવ બચાવવા વિદ્યાર્થીઓએ બિલ્ડિંગ પરથી માર્યો કૂદકો, ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 14 ગાડીઓ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં પુરનિયા ચોરાહા પાસે આવેલા એક કોચિંગ સેન્ટરમાં રવિવારે

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં પુરનિયા ચોરાહા પાસે આવેલા એક કોચિંગ સેન્ટરમાં રવિવારે ભીષણ આગ લાગી છે. લોક સેવા આયોગની પાછળ બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આગની લપેટો અને ધુમાડો જોઈને કેટલાક વિદ્યાર્થીઓએ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિત ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે અને હાલ રાહત તેમજ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓ ઘટનાસ્થળે
આગની ગંભીરતાને જોતા નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, DM વિશાખ અને ADCP નોર્થ ટ્વિંકલ જૈન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે જ ACP અલીગંજ શશિ પ્રકાશ મિશ્ર, ADM સિટી તેમજ અલીગંજ અને મડિયાંવ પોલીસ સ્ટેશનનો કાફલો પણ ત્યાં હાજર રહ્યો હતો. તમામ વરિષ્ઠ અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરીને રાહત કાર્યોની સીધી દેખરેખ શરૂ કરી દીધી છે.
મુખ્યમંત્રીએ લીધી ઘટનાની નોંધ
મુખ્યમંત્રીએ અલીગંજની આ આગની ઘટનાને ગંભીરતાથી લઈને વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપ્યા હતા. તેમણે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ત્વરિત યોગ્ય સારવાર પૂરી પાડવાની કડક સૂચના આપી છે. મુખ્યમંત્રીએ તમામ ઘાયલ વિદ્યાર્થીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી પરિવારજનોને સરકાર તરફથી તમામ સંભવ મદદની ખાતરી આપી છે.






