ચક્રવાત ‘મુરાસુ’નો ખતરો: આંધ્રપ્રદેશમાં 9 ટ્રેનો રદ, 120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ચક્રવાત ‘મુરાસુ’ (Cyclone Murasu) વધુ શક્તિશાળી બનતાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહીને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે (Indian Railways)એ સાવચેતીના પગલાંરૂપે નવ ટ્રેનો રદ કરી છે. વાવાઝોડું 2 નવેમ્બરની મધરાતથી 3 નવેમ્બરની વહેલી સવાર દરમિયાન આંધ્રપ્રદેશના નેલ્લોર અને નરસાપુર વચ્ચે, ઓંગોલે નજીક દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.
120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત દરમિયાન પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝાપટાં સાથે 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ શકે છે. આથી વહીવટી તંત્રએ રાહત અને બચાવ કામગીરી (Rescue Operations) માટે તૈયારીઓ તેજ કરી છે. માછીમારોને પણ જોખમી દરિયાઈ વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
કઈ નવ ટ્રેનો રદ કરવામાં આવી?
દક્ષિણ કોસ્ટ રેલવે (South Coast Railway)એ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નીચેની ટ્રેનો રદ કરી છે:
-
67225: વિજયવાડા–ગુડુર પેસેન્જર — 2 નવેમ્બર
-
67226: ગુડુર–વિજયવાડા પેસેન્જર — 3 નવેમ્બર
-
12744: વિજયવાડા–ગુડુર એક્સપ્રેસ — 2 નવેમ્બર
-
12743: ગુડુર–વિજયવાડા એક્સપ્રેસ — 3 નવેમ્બર
-
67235: ગુંટુર–તેનાલી પેસેન્જર — 2 નવેમ્બર
-
67236: તેનાલી–ગુંટુર પેસેન્જર — 3 નવેમ્બર
-
67237: તેનાલી–રેપલ્લે પેસેન્જર — 2 નવેમ્બર
-
67238: રેપલ્લે–માર્કાપુર પેસેન્જર — 3 નવેમ્બર
-
67239: માર્કાપુર–તેનાલી પેસેન્જર — 3 નવેમ્બર.
રેલવે તંત્ર એલર્ટ મોડ પર
વાવાઝોડાને પગલે રેલવે તંત્રએ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ (Control Room) શરૂ કર્યા છે. સંવેદનશીલ પુલો, રેલવે ટ્રેક, યાર્ડ અને સિગ્નલિંગ સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે નાળાઓની સફાઈ કરવામાં આવી રહી છે. સાથે જ ઇમરજન્સી મરામત સામગ્રી, તબીબી ટીમો, એમ્બ્યુલન્સ અને રાહત કર્મચારીઓને તૈયાર રાખવામાં આવ્યા છે.
મુસાફરોને ખાસ અપીલ
રદ થયેલી ટ્રેનોના મુસાફરોએ મુસાફરી શરૂ કરતાં પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસી લેવી જોઈએ. મુખ્ય રેલવે સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક (Help Desk) અને ટિકિટ રિફંડ માટે વધારાના કાઉન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને મુસાફરોએ રેલવેની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું અને બિનજરૂરી મુસાફરી ટાળવી હિતાવહ છે. આંધ્રપ્રદેશમાં વાવાઝોડું ત્રાટકે તે પહેલાં તંત્રની તૈયારીઓ તેજ બની છે. આગામી કલાકોમાં હવામાનની સ્થિતિ અને વાવાઝોડાની દિશા પ્રમાણે વધુ સાવચેતીનાં પગલાં લેવામાં આવી શકે છે.












