સુરત મનપાની ભરતીનું રિઝલ્ટ જાહેર, કુલ 249 જગ્યાઓ માટે 11 હજારથી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા

સુરત પાલિકામાં સરકારી નોકરી મેળવવાની આશા સાથે લેખિત પરીક્ષા આપનારા 11,650 ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. પાલિકા દ્વારા સાત અલગ-અલગ સંવર્ગની 249 જગ્યાઓ માટે લેવાયેલી લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વેબસાઈટ પર પરિણામ મૂકાતાં સફળ ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પસંદગીથી વંચિત રહેનારાઓમાં નિરાશા છવાઈ હતી.
સુરત પાલિકાની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર
સુરત પાલિકા દ્વારા વિવિધ સંવર્ગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયાના ભાગરૂપે સાત અલગ-અલગ કેડરની કુલ 249 જગ્યાઓ માટે લેવાયેલી લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પાલિકાની વેબસાઈટ પર પરિણામ જાહેર થતાં જ પરીક્ષા આપનારા ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. લાંબા સમયથી સરકારી નોકરી મેળવવાની આશા રાખીને તૈયારી કરતા ઉમેદવારો માટે પરિણામ મહત્ત્વનું બન્યું છે.
54 ટકા ઉમેદવારોએ જ પરીક્ષા આપી
જાહેર થયેલી વિગતો મુજબ સાત સંવર્ગની કુલ 249 જગ્યાઓ માટે 21,566 ઉમેદવારોએ અરજી કરી હતી. જો કે, તે પૈકી 11,650 ઉમેદવારો જ લેખિત પરીક્ષામાં હાજર રહ્યા હતા. આમ, અરજી કરનારા ઉમેદવારોમાંથી આશરે 54 ટકા ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી.
કઈ જગ્યા માટે કેટલા ઉમેદવારો હાજર રહ્યા
સંવર્ગ પ્રમાણે જોઈએ તો ટેકનિકલ ઓફિસરની ચાર જગ્યા માટે 1,483 અરજીઓ સામે 742 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. લેબોરેટરી ટેકનિશિયન 40 જગ્યા માટે 4,646 અરજીઓમાંથી 2,879 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સુપરવાઇઝર (કોમ્પ્યુટર)ની 12 જગ્યા માટે 2,584 અરજીઓ સામે 1,639 ઉમેદવારો હાજર રહ્યા હતા.
તેવી જ રીતે જુનિયર એનાલિસ્ટ સાત જગ્યા માટે 1,242 માંથી 690, જુનિયર ફાર્માસિસ્ટ 70 જગ્યા માટે 3,780માંથી 2,084 અને આસિસ્ટન્ટ ઓડિટરની ચાર જગ્યા માટે 379માંથી 234 ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા. ટેકનિકલ આસિસ્ટન્ટની 112 જગ્યાઓ માટે સૌથી વધુ 7,452 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 3,382 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.













