સોમનાથ મંદિર પરિસરમાં નોનવેજ પર પ્રતિબંધ યથાવત: સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર

‘મી લોર્ડ, ન્યૂઝરૂમ બંધ કરવાની નોબત આવશે’: ડેટા પ્રોટેક્શન કાયદા સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં મોટા મીડિયા હાઉસ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ ખાણીપીણીના વેચાણ પર મૂકાયેલા પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા પ્રતિબંધ ચાલુ રાખવાના વચગાળાના સ્ટે ઓર્ડરમાં દખલ કરવાનો ઈનકાર કર્યો છે અને હાઈકોર્ટને આ મામલે ઝડપથી સુનાવણી પૂર્ણ કરવા વિનંતી કરી છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાળેની બેંચે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે, "આવા મામલાઓમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે." આ સાથે જ હળવા અંદાજમાં ખંડપીઠે ટકોર કરી હતી કે, "વેજ કે નોનવેજની ચર્ચા બાજુ પર રાખીને દિવાળીનો પ્રકાશપર્વ મીઠાઈઓ ખાઈને ઉજવો."

જાહેરાત

શું છે સમગ્ર વિવાદ?

ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રે 10 ઓગસ્ટના રોજ એક જાહેરનામું બહાર પાડીને સોમનાથ મંદિરના 500 મીટરના વિસ્તાર તેમજ મુખ્ય યાત્રાધામ માર્ગો પર માંસાહારી ખોરાક રાંધવા, સંગ્રહ કરવા અને વેચવા પર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. સ્થાનિક હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોએ આ જાહેરનામાને વેપાર અને આજીવિકાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાવી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

અગાઉ ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેંચે આ પ્રતિબંધને રદ્દ કર્યો હતો, પરંતુ રાજ્ય સરકારની તાકીદની અપીલ બાદ ચીફ જસ્ટિસની ડિવિઝન બેંચે ગણતરીના કલાકોમાં જ સિંગલ બેંચના આદેશ પર સ્ટે મૂકીને નોનવેજ પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો હતો.

હાઈકોર્ટના આ સ્ટે સામે રેસ્ટોરન્ટ માલિકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે હાઈકોર્ટ આ કેસમાં 25 નવેમ્બરે વધુ સુનાવણી કરવાની છે અને દુકાનદારોને માત્ર નોનવેજ વેચવા પર મનાઈ છે, તેઓ શાકાહારી ભોજન પીરસી શકે છે. સુપ્રીમ કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ સ્ટે હટાવવાનો ઈનકાર કર્યો અને કેસની અંતિમ સુનાવણી હાઈકોર્ટમાં જ ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત