સુરતમાં દિવાળીના દિવસે નવજાતની કિલકારીઓથી ગુંજી હોસ્પિટલ, 19 બાળકોના જન્મથી ફૂટ્યા હરખનાં ફટાકડાં

સુરતના વરાછા વિસ્તારમાં ચીકુવાડી ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દિવાળીના એક જ દિવસમાં 19 બાળકોના જન્મ થયાં હતાં. જેથી હોસ્પિટલ કિલકારીઓથી ગુંજી ઉઠી હતી. તો પરિવારમાં નવા સભ્ય આવવાની ખુશીમાં સૌ કોઈના ચહેરા પર હરખાં ફટાકડાં ફૂટતાં હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
હર્ષનું મોજું ફરી વળ્યું
19 નવજાતમાંથી 10 દીકરી અને 9 દીકરાનો જન્મ થયો છે. બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જન્મેલાં તમામ બાળકો સ્વસ્થ છે. જેથી દિવાળીના સપરમાં દિવસોમાં બાળકોના જન્મથી સૌ કોઈએ આનંદની લાગણી અનુભવી હતી.
દીકરીના પરિવારને 1 લાખનો બોન્ડ
ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ)માં 31 ઓક્ટોબર 2024ના રોજ એક જ દિવસમાં એટલે કે, 24 કલાકમાં ટોટલ 19 ડિલિવરી થઈ હતી. જેથી હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠ્યું હતું. 19 ડિલિવરીમાં 10 દીકરી અને 9 દીકરાનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે.

