સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ 10 હજાર કરોડને પાર, સ્થાયી સમિતિએ કર્યો 401 કરોડનો વધારો

સુરત પાલિકા કમિશનરે વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ બજેટ 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ જેમાં 4562 કરોડના કેપીટલ કામો હતા તે બજેટ રજુ કર્યું હતું. સ્થાયી સમિતિએ આ બજેટમાં 401 કરોડના વધારા સાથે 1004 કરોડનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. સ્થાયી સમિતિએ આ બજેટ મંજુર કરતા સાથે જ પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટની રકમ 10 હજાર કરોડને પાર કરી ગઈ છે.
સ્થાયીએ બજેટ મંજૂર કર્યુ
સુરત મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે 2025-26નાં 9603 કરોડ રૂપિયાનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું. જેમાં 4562 કરોડના કેપીટલ કામો રજૂ કરવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિએ બે દિવસની મેરેથોન ચર્ચા બાદ આજે સ્થાયી સમિતિએ બજેટ મંજુર કર્યું હતું. જેમાં સ્થાયી સમિતિએ મ્યુનિ. કમિશ્નરે રજુ કરેલા બજેટમાં 401 કરોડનો વધારો કર્યો છે અને કેપીટલ કામ મ્યુનિ. કમિશ્નરે બજેટમાં 4562 કરોડના સુચવ્યા હતા તેમાં 301 કરોડનો વધારો કરીને 4903 કરોડના કર્યા છે અને રેવન્યુ ખર્ચ 5041 કરોનો હતો. તેમાં 60 કરોડનો વધારો કરીને 5101 કરોડના કર્યા છે.
સુવિધાઓ પર ભાર મૂકાયો
સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે બજેટ રજુ કરવા સાથે આ બજેટને સર્વાંગી ગણાવવા સાથે સમાજના તમામ વર્ગોના લોકો અને તમામ ઘટક ક્ષેત્રોના સર્વાગી વિકાસ સાથે સુરત શહેરનો વધુને વધુ વિકાસ અને વૃદ્ધિ કરવાની જવાબદારી બમણી કરવાનું બજેટ ગણાવ્યું હતું. આ ઉપરાંત શહેરીજનોને હિત તેમજ વિકાસને લક્ષ્યમાં લઈ, લોકોની લાગણી અને રજુઆતોને વાચા આપી ગયા વર્ષના જ કર-દર આ વર્ષે પણ થયાવત રાખવાની પણ જાહેરાત કરી છે. કર-દરમાં વધારો કર્યા વગર શહેરીજનોને સીધી રીતે સ્પર્શતી લાભકારી જોગવાઈ કરી તેનાથી ઉદ્ભવતી અસંતુલનને ઘટાડવાની વાત ગણી હતી. તેઓએ વધુમાં કહ્યું હતું કે, બજેટમાં શિક્ષણ, રમત-ગમત, આરોગ્ય, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ, હાઇડ્રોલિક વિભાગ, સહિત ડ્રેનેજ અને બ્રિજ-ફૂટ ઓવર બ્રિજ સહિત શહેરીજનો માટે વિવિધ સુવિધાઓ પ્રકલ્પો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
પીપીપી ધોરણે કોમ્યુનિટી હોલ બનશે
બજેટમાં પહેલીવાર પીપીપી ધોરણે કોમ્યુનિટી હોલ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 10 નવા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. બજેટમાં લિંબાયત, વરાછા અને ઉધનામાં અલાયદા પાણી પુરવઠો પૂરું પાડવા આયોજન કરાયું છે. સાથે સાથે બાળ મરણ પર અંકુશ મેળવવા માટે નવજાત બાળકો માટે 50 આઈસીયુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નિર્ણય કરાયો છે.
104 મીટરની ઊંચાઈનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદાશે
તક્ષશિલા હોનારત બાદ સુરત મહાનગર પાલિકા શહેરીજનોની જાન-માલની સુરક્ષા માટે કરોડો રૂપિયાના ખર્ચે ફાયર વિભાગને અત્યાધુનિક બનાવવાની દિશામાં ગંભીરતાપૂર્વક આગળ વધી રહ્યું છે. જેમાં સ્થાયી સમિતિ દ્વારા આગામી સમયમાં સુરત શહેરમાં ગગનચુંબી ઈમારતોમાં આગ જેવી હોનારતમાં અત્યંત જરૂરી 104 મીટરની ઉંચાઈનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવાનું નક્કી કરાયું છે.

