સુરતના લિંબાયતમાં પોલીસનું ફાયરિંગ: ચપ્પુથી હુમલો કરનાર લૂંટારુના પગમાં ગોળી મારી ઝડપી લીધો

સુરતના લિંબાયતમાં પોલીસનું ફાયરિંગ: ચપ્પુથી હુમલો કરનાર લૂંટારુના પગમાં ગોળી મારી ઝડપી લીધો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મધરાતે પોલીસ અને લૂંટારુ વચ્ચે થયેલી અથડામણમાં પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરીને એક આરોપીને ઝડપી લીધો છે. વરાછા, કતારગામ અને મહિધરપુરા સહિતના વિસ્તારોમાં લૂંટની ઘટનાઓને અંજામ આપનાર આરોપીએ પોલીસકર્મી પર ચપ્પુ વડે હુમલો કરતાં પોલીસે તેના ડાબા પગમાં ગોળી મારી હતી. છેલ્લા છ મહિનામાં લિંબાયત પોલીસ દ્વારા આ બીજી વખત આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યાના સુમારે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ નજીક અંધારામાં ઉભેલો એક શખસ પોલીસની ગાડી જોઈને ગભરાઈ ગયો હતો અને ગ્રાઉન્ડ તરફ ભાગવા લાગ્યો હતો. શંકા જતાં પોલીસના જવાનોએ વાનમાંથી ઉતરીને તેનો પીછો કર્યો હતો અને તેને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

જાહેરાત

કોન્સ્ટેબલને ચપ્પુ માર્યું, પીઆઈએ ગોળી ચલાવી

પોલીસની ટીમ આરોપીની નજીક પહોંચી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બચવા માટે આરોપીએ કમરમાંથી ચપ્પુ કાઢી કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો, જેનાથી તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સ્થિતિ વણસતા પીઆઈએ આરોપીને ચપ્પુ નીચે મૂકી દેવાની ચેતવણી આપી હતી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. છતાં આરોપી ચપ્પુ લઈને પીઆઈ તરફ ધસી આવતા સ્વબચાવમાં પોલીસે તેના પગ તરફ ગોળી ચલાવી હતી.

બંને ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગોળી વાગવાથી આરોપી સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને પોલીસે તેને કાબૂમાં લીધો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ચપ્પુના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલને સારવાર માટે લિંબાયતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ગોળીથી ઘાયલ થયેલા આરોપીને પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ત્રણ વિસ્તારની લૂંટનો ભેદ ઉકેલાયો, સાગરિત ફરાર

પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા આરોપીનું નામ પરવેઝ મુશરફ અન્સારી હોવાનું સામે આવ્યું છે, જે મૂળ ઝારખંડનો વતની છે અને હાલ લિંબાયતના મમતા ટોકીઝ પાસે રહે છે. તેણે પોતાના સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં રાહદારીઓને નિશાન બનાવી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી છે. પોલીસે લૂંટના કેટલાક મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે અને ફરાર સાગરિતને પકડવા અલગ-અલગ ટીમો કાર્યરત કરી છે.

અગાઉ 11 મેના રોજ પણ થઈ હતી ફાયરિંગની ઘટના

ઉલ્લેખનીય છે કે, છ મહિના અગાઉ 11 મેના રોજ લિંબાયતના રામજી મંદિર પાસે સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોર અનુરાગ પવારની હત્યા થઈ હતી. આ કેસના આરોપી રાહુલ જોગીને મીઠી ખાડી પાસે પકડવા ગયેલી પોલીસ ટીમના કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર તેણે ચપ્પુથી હુમલો કર્યો હતો. ત્યારે પણ પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને આરોપીના પગમાં ગોળી મારી તેને ઝડપી લીધો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત