Video: અગરિયાઓની દયનિય હાલત પર પડદો પાડવાનો પ્રયાસ

સુરેન્દ્રનગરમાં અગરિયાઓની મુલાકાતે આવેલા માનવ અધિકાર પંચ સમક્ષ સ્થાનિક તંત્રએ ખુબ સારૂ ચિત્ર રજૂ કરવાના મરણિયા પ્રયાસ કર્યા હતા..સખી મંડળની બહેનોને બેસાડીને તેમને અગરિયાઓની મહિલાઓ તરીકે રજૂ કરાઈ હતી. અને આ રીતે માનવાધિકાર પંચની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ ઊભો થયો છે. એક તરફ અગરિયાઓ પીવાના પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, ત્યારે બીજી તરફ તંત્રના આ વલણ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. અગરિયાઓએ વેદના ઠાલવતા જણાવ્યું છે કે તેમના માટે આવતી ગ્રાન્ટ અને યોજનાઓ રણ સુધી પહોંચતી જ નથી. આ ઉપરાંત માનવ અધિકાર પંચના પ્રતિનિધિઓને જે અગરિયાઓ રજૂઆત કરે, તેમની નામનોંધણી કરીને ડરાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાનો અને અગરિયાઓની વેદના પર તંત્ર દ્વારા મજાક શરૂ કરાઈ હોવાનો પણ આરોપ લાગ્યો છે. જો માનવ અધિકાર પંચના પ્રતિનિધિઓ અગરિયાઓની સાચી વેદના સાંભળે તો તંત્રની પોલ ખુલી જાય તેમ છે, જેથી ખરેખર અગરિયાઓ માટે યોગ્ય નિર્ણયો લઈ તેમની ઝુંપડી સુધી યોજનાઓ અને સહાય સુવિધાઓ પહોંચે તે અત્યંત જરૂરી છે.






