બનાસકાંઠામાં 'ભ્રષ્ટાચારનું ઘોડા પૂર', બે વર્ષમાં 172 ચેકડેમ સંપૂર્ણ ધરાશાયી

જળસંચયના ઉમદા હેતુસર લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ચેકડેમો બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચારની ભેટ ચડ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. છેલ્લા માત્ર 2 જ વર્ષના ટૂંકા ગાળામાં જિલ્લામાં કુલ 172 ચેકડેમો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે. એક જ જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં ચેકડેમો તૂટી પડતાં તેના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊઠ્યા છે.
તંત્રની ઘોર બેદરકારી : 162 ચેકડેમો હજુ પણ બિસ્માર હાલતમાં
બનાસકાંઠા જિલ્લો પહેલેથી જ પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે. તેવા સંજોગોમાં ચોમાસાના પાણીનો સંગ્રહ કરવા માટેના મુખ્ય સ્રોત ગણાતા ચેકડેમો તૂટી જતાં અને તેની સમયસર મરામત ન થતાં કિંમતી પાણી વહી રહ્યું છે. એક તરફ સરકાર જળસંચયના મોટા-મોટા દાવા કરે છે, ત્યારે બીજી તરફ જમીની હકીકત તંત્રની પોલ ખોલી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે, તંત્રની ઘોર બેદરકારીને કારણે તૂટેલા ચેકડેમોમાંથી અત્યાર સુધી માત્ર 10 જ ચેકડેમોનું સમારકામ થઈ શક્યું છે, જ્યારે 162 ચેકડેમો હજુ પણ બિસ્માર હાલતમાં પડ્યા છે.
વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ વન વિભાગને સૌથી વધુ નુકસાન
સરકારે વિધાનસભામાં રજૂ કરેલી સત્તાવાર વિગતો મુજબ, સૌથી વધુ નુકસાન વન વિભાગ હસ્તકના ચેકડેમોમાં થયું છે. આ આંકડા મુજબ વન વિભાગના 114 ચેકડેમો તૂટ્યા છે, જ્યારે પાણી પુરવઠા વિભાગના 58 ચેકડેમો ધરાશાયી થયા છે.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી સરકારી તિજોરીને ફટકો
સ્થાનિકો અને ખેડૂતોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, ભ્રષ્ટ અધિકારીઓ અને મળતિયા કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી અત્યંત નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરોને બખ્ખાં કરાવવા માટે તમામ નિયમોને નેવે મૂકીને બિલો પાસ કરી દેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ તો સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા ભ્રષ્ટ અધિકારીઓ તેમજ મળતિયા કોન્ટ્રાક્ટરો સામે સરકાર મૌન સેવીને બેઠી હોવાનો રોષ જોવા મળી રહ્યો છે.













