ભરૂચમાં બ્રિજની ગુણવત્તા પર ગંભીર સવાલ! ફિટનેસ સર્ટિફિકેટ વિના જ શરૂ કરી દેવાયો હોવાનો અધિકારીનો ખુલાસો

ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરને જોડતા રૂ. 66 કરોડના ખર્ચે નિર્મિત ડોલિયા-દેવણા બ્રિજમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે ભાજપના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં જરૂરી મંજૂરીઓ કે કામગીરીની ખાતરી કર્યા વિના જ અધૂરા બ્રિજનું લોકાર્પણ કરી દીધું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
10 વર્ષે બનેલા બ્રિજમાં તિરાડો પડતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
વર્ષ 2016માં મહેસાણાની રાધે એસોસિએટ એજન્સીને સોંપાયેલું આ કામ 10 વર્ષે પૂર્ણ થયા બાદ 23 ઓગસ્ટ, 2026ના રોજ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, બ્રિજમાં મોટી તિરાડો પડતા આ બાબત ભારે વિવાદ અને ચર્ચાનો વિષય બની છે. સમગ્ર મામલો ગંભીર બનતા ભરૂચ જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગ પાસે રિપોર્ટ મંગાવી તપાસના આદેશ આપ્યા છે.
ફિટનેસ સર્ટિફિકેટ ન અપાયું હોવાની અધિકારીની કબૂલાત
બીજી તરફ, માર્ગ અને મકાન વિભાગના સેક્શન ઓફિસરે બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ હજુ સુધી આપવામાં આવ્યું ન હોવાનું સ્વીકાર્યું છે. તેમણે નીચેથી પસાર થતી ઢાઢર નદીના પાણીના વહેણ બદલાવાથી પોલાણ થતા તિરાડ પડી હોવાનો લૂલો બચાવ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, એજન્સીના માલિક અને સુપરવિઝન કરનાર અધિકારી અંગે ખુદ આર એન્ડ બી વિભાગે મૌન સેવ્યું છે.
ધારાસભ્યએ હાથ ઊંચા કર્યા, કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલની તૈયારી
આ મુદ્દે ભાજપના ધારાસભ્ય દેવકિશોર સ્વામી (ડી.કે. સ્વામી)એ અધિકારીઓ તપાસ કરીને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે તેમ કહી ભ્રષ્ટાચારના મામલે હાથ ઊંચા કરી દીધા હતા. બીજી તરફ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ આ સમગ્ર કૌભાંડ સામે ગુજરાત હાઈકોર્ટમાં પી.આઈ.એલ. (PIL) દાખલ કરવાની કવાયત હાથ ધરી છે.















