પ્રકૃતિના સાનિધ્યમાં આત્માની ખોજનો અવસર એટલે ગિરનાર લીલી પરિક્રમા

પ્રકૃતિના સાનિધ્યમાં આત્માની ખોજનો અવસર એટલે ગિરનાર લીલી પરિક્રમા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આજે શુક્રવારથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા એ શ્રદ્ધા, પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે. પરિક્રમાનું આધ્યાત્મિક મહત્વ છે. પદયાત્રા કરીને પરિક્રમા કરનારા પ્રકૃતિના સાનિધ્યમાં અંતર આત્માની ખોજ કરવાનો અવસર મેળવી લે છે. સંસ્કૃતમાં 'પરિક્રમા'નો અર્થ થાય છે 'ચારે બાજુ ફરવું' (પ્રદક્ષિણા). હિન્દુ ધર્મમાં મંદિર, પર્વત કે પવિત્ર નદીને ઈશ્વરનું સાક્ષાતસ્વરૂપ માનવામાં આવે છે. પરિક્રમા કરતી વખતે વ્યક્તિ કેન્દ્રમાં રહેલા ઈશ્વરની આસપાસ ફરે છે, જેનો અર્થ એ છે કે 'મારા જીવનના કેન્દ્રમાં માત્ર ઈશ્વર જ છે.'


મંદિરો અને પવિત્ર પર્વતો (જેમ કે ગિરનાર) પર હજારો વર્ષોથી ઋષિ-મુનિઓની તપસ્યા અને મંત્રોચ્ચારને કારણે વિશેષ ચુંબકીય અને આધ્યાત્મિક ઊર્જા એકત્રિત થયેલી હોય છે. ઘડિયાળના કાંટાની દિશામાં પરિક્રમા કરવાથી શરીર આ ઊર્જાને ગ્રહણ કરે છે.કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલતી ૩૬ કિમીની આ લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ગિરનારના જંગલોમાંથી પસાર થાય છે. એક સમયે લોકો હાથમાં ફાનસ સાથે વહેલી સવારે પ્રદક્ષિણા કરતા હતા.પગપાળા ચાલવું, જંગલમાં રહેવું અને સાદું ભોજન લેવું એ શરીર અને મનને શુદ્ધ કરે છે. ગિરનારની ૩૬ કિલોમીટરની પરિક્રમા પ્રકૃતિના ખોળે રહીને પર્યાવરણ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો અવસર છે.

જાહેરાત


ગોવર્ધન પરિક્રમા (મથુરા, ઉત્તર પ્રદેશ) અત્યંત પ્રસિદ્ધ અને પવિત્ર ગણાય છે, આશરે ૨૧ કિમી (૭ કોસ)ની આ પરિક્રમા દર મહિને પૂનમે અને ખાસ કરીને ગુરુ પૂર્ણિમા તથા દિવાળી પર લાખો ભક્તો કરે છે. જતીપુરાની પરિક્રમા એ હકીકતમાં ગોવર્ધન પરિક્રમાનો જ એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર ભાગ છે. ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલા ગોવર્ધન પર્વતની તળેટીમાં જતીપુરા નામનું એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ગામ આવેલું છે. જતીપુરામાં ગુજરાતી શ્રદ્ધાળુઓની એટલી મોટી અવરજવર રહે છે કે અહીં 'ગુજરાતી બજાર', ગુજરાતી ધર્મશાળાઓ અને શુદ્ધ ગુજરાતી ભોજનશાળાઓ (અન્નક્ષેત્રો) આવેલા છે. અહીં સ્થાનિક લોકો પણ ગુજરાતી ભાષા સમજે છે અને બોલે છે. ખાસ કરીને અન્નકૂટ (બેસતું વર્ષ) અને ગુરુ પૂર્ણિમાના દિવસે જતીપુરામાં 'મિની ગુજરાત' જેવો માહોલ જોવા મળે છે


પરંતુ ભારતમાં સૌથી મોટી પરિક્રમા નર્મદા નદીની છે. આ વિશ્વની સૌથી મોટી, સૌથી કઠીન અંદાજે ૨૬૦૦ કિલો મીટરની છે. તેને પુરી કરવામાં ૩ વર્ષ, ૩ મહિના અને ૧૩ દિવસનો સમય લાગે છે. બ્રજની ૮૪ કોસ (આશરે ૨૫૦-૩૦૦ કિમી)ની પરિક્રમા ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલી છે, જે ગોવર્ધન પરિક્રમાનું વિસ્તૃત સ્વરૂપ છે.
વિશ્વના દરેક ધર્મોમાં પરિક્રમાનું મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં પરિક્રમા એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સામાજિક, પર્યાવરણીય અને સાંસ્કૃતિક જીવનશૈલીનો એક અભિન્ન ભાગ છે.


જેમાં પ્રકૃતિ પૂજાને મહત્વ અપાય છે. આપણી સંસ્કૃતિ નદી, પર્વત અને વૃક્ષોને નિર્જીવ માનવાને બદલે 'માતા' કે 'દેવ' તરીકે પૂજે છે. ગિરનાર કે નર્મદાની પરિક્રમા એ પ્રકૃતિના સંરક્ષણ અને જંગલો પ્રત્યે પ્રેમ કેળવવાનું માધ્યમ છે.પરિક્રમાના માર્ગ પર અમીર-ગરીબ, ઊંચ-નીચ કે જાતિના ભેદભાવ ભૂલીને સૌ એક સાથે ચાલે છે. ઠેર-ઠેર ચાલતા અન્નક્ષેત્રો (મફત ભોજન અને સેવા કેન્દ્રો) આપણી સંસ્કૃતિની 'અતિથિ દેવો ભવ' અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.


ગિરનારની પરિક્રમા દરમિયાન રાત્રિ રોકાણ વખતે ગવાતા ભજનો, દુહા-છંદ અને લોકવાર્તાઓ ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિને જીવંત રાખે છે. ગિરનારની પરિક્રમા કરનારા માટે સેવા કેન્દ્રો બહુ મોટા પાયે જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો પિકનીક માટે આવ્યા હોય એમ ખાણી-પીણીમાં મસ્ત રહે છે જેના કારણે ભક્તિભાવ પૂર્વક જય ગિરનારીના નારા સાથે પરિક્રમા કરનારાની લાગણી દુભાય છે. પરિક્રમા કરનારાની સંખ્યા વધી છે સાથે સાથે સલામતીના પગલાં પણ વધ્યા છે. અમદાવાદ વટવાના શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ મારફતે ગિરનાર પરિક્રમાના શ્રધ્ધાળુઓ માટે મેડિકલ કેમ્પ ઉભો કરાય છે. જ્યાં તમામ તબીબી સવલતો પુરી પડાય છે. વહેલી સવારથીજ પરિક્રમા કરનારા જય ગિરનારીના નારા સાથે યાત્રા શરૂ કરે છે.આપણા શાસ્ત્રોમાં લગ્ન વખતે અગ્નિની આસપાસ લેવાતા સાત ફેરા પણ એક પ્રકારની પરિક્રમા જ છે, જે દંપતીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની મર્યાદામાં રહીને જીવન જીવવાની શીખ આપે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત