સુરત/ સોસાયટીમાંથી રોડ પસાર થવાના વિરોધમાં મહિલાઓએ થાળી વગાડી, ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
લોકસભાની ચૂંટણી જાહેર થતા જ તંત્ર સામેનો પ્રજામાં રહેલો છુપો રોષ

લોકસભાની ચૂંટણી જાહેર થતા જ તંત્ર સામેનો પ્રજામાં રહેલો છુપો રોષ બહાર આવવા માંડ્યો છે. સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં એક સોસાયટીના 200 મકાનમાં રહેતા રહીશોએ સુરત મનપા સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ સોસાયટીની મહિલાઓએ થાળી વગાડી, સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મહિલાઓએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. આ મહિલાઓ સોસાયટીમાંથી પસાર થતા રોડ સામે વિરોધ નોંધાવ્યો હતો.
અમી પાર્ક સોસાયટીની મહિલાઓનો વિરોધ
પુણા ગામ વિસ્તારમાં અમી પાર્ક સોસાયટી આવેલી છે. અહીં 200 મકાન છે. આજે તા. 9 એપ્રિલની સવારે સોસાયટીની મહિલાઓ સોસાયટીની બહાર ભેગી થઈ હતી. થાળીઓ વગાડી સુરત મહાનગર પાલિકા હાય હાયના નારા પોકાર્યા હતા. વિરોધ કરતી મહિલાઓએ કહ્યું હતું કે આ સોસાયટી લાંબા સમયથી છે. અત્યાર સુધી અહીં કોઈ રોડ ન હતો. એકાએક સોસાયટીમાંથી રોડ કાઢવામાં આવ્યો છે, તેનો વિરોધ કરવામાં આવ્યો છે. અમી પાર્ક સોસાયટી વર્ષોથી બનેલી છે પરંતુ અચાનક જ સોસાયટીમાંથી રોડ પસાર થતાં તેઓનો વિરોધ નોંધાવ્યો હતો.
રજૂઆત છતાં ઉકેલ ન આવતાં વિરોધ
જો સોસાયટીમાંથી રોડ પસાર થાય તો મહિલાઓની સલામતી સામે પણ સવાલો ઉઠે છે. બીજી બાજુ બાળકોને રમવાની જગ્યા પણ મળતી નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી ઉકેલ આવ્યો નથી. દરરોજ સંખ્યાબંધ વાહનો પણ પસાર થાય તો અકસ્માતનો પણ ભય રહે છે. જેથી સ્થાનિક મહિલાઓએ થાળીઓ વગાડી ભારે વિરોધ નોંધાવ્યો હતો. એકતરફ લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે બીજી તરફ પુણા ગામમાં રહીશો દ્વારા કરવામાં આવેલો વિરોધથી વિવાદ સર્જાયો છે.








