સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલી યુવતીએ લગ્નના સપનાં બતાવી કર્યું આવુ, મિત્રોને જાણ કરી તો..
સોશિયલ મીડિયાના યુગમાં ફેક આઈડીથી ભ્રમિત થતાં પહેલા સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે. યુવ

સોશિયલ મીડિયાના યુગમાં ફેક આઈડીથી ભ્રમિત થતાં પહેલા સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે. યુવતી સોશિયલ મીડિયાની ફેક આઈડીથી યુવક સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં મીઠી મીઠી વાતો કરવા લાગી હતી. ફોનમાં પણ લગ્નની વાતો કરીને પોતાની દુઃખભરી કહાની સંભળાવી હતી. બાદમાં યુવક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. યુવકે જ્યારે છેતરાયાની વાત મિત્રને કરી તો તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે મિત્ર પણ તેના અગાઉ જ રૂપિયા ગુમાવી ચૂક્યો હતો. સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ પણ ગોથે ચડી જાય તેવો કારસો રચાયો છે.
મોબાઈલ લઈ આપ્યો ને ગેમ શરૂ થઈ
સરથાણા ખાતે રહેતા અને હીરાનું કામ કરતાં ભૌમિક(નામ બદલેલ છે)ને ફેસબુક ઉપર ઉષા બોધરા નામની યુવતી સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. સપ્તાહ સુધી ફેસબુક ઉપર વાતો કરી હતી. ત્યારબાદ યુવતીએ મોબાઈલ નંબર માંગી પોતાનો મોબાઈલ ખરાબ થઈ ગયો છે. નવો મોબાઈલ લેવા માટે પૈસા માંગ્યા હતા. ભૌમિકે તેણીના કહેવા મુજબ મુંબઈ ખાતે ખોડીયાર મોબાઈલ શોપના માલીક ચેતન જયંતી રાખોલીયાના ખાતામાં ૨૪ હજાર ટ્રાન્સફર કર્યા હતા. બે દિવસ પછી ચેતને ફોન કરી કહ્યું કે, તમે જે લેડીઝના પૈસા ટ્રાન્સફર કર્યા છે. જે શ્રુતી ડોબરીયાની પરિસ્થિત સારી નથી. ગરીબ ઘરની દીકરી છે. તમે ઈચ્છો તો હું તમારા લગ્નમાં મદદ કરું તેમ કહ્યું હતું.
અલગ અલગ બહાને રૂપિયા પડાવ્યા
શ્રુતીને માતા નથી. પિતાએ બીજા લગન કર્યા છે. તેની અપરમા શ્રુતીને હેરાન કરે છે. શ્રુતીએ મૃત્યુ પામેલી માતાએ ૨૩ લાખની એફડી કરાવી છે. જે પૈસા થોડા દિવસમાં આવી જશે. એફડીના પૈસા આવી ગયા બાદ તમારા લગ્ન કરાવી આપવાની ભૌમિકને લાલચ આપવામાં આવી હતી. શ્રુતીની એફડી પર લાગેલી પેનલ્ટી ભરવાના બ્હાને ભૌમિક પાસેથી એક લાખ પડાવ્યા હતા. ત્યારબાદ તેના પિતાએ બેન્કમાંથી લીધેલ લોન નહી ભરતા બેન્કવાળા શ્રુતીને હેરાન કરે છે. તેના બહાને ૬૨ હજાર પડાવ્યા હતા. આટલુ ઓછુ હોય તેમ શ્રુતીને લકી ડ્રોમાં ૪૧ લાખ લાગ્યા છે. જે મેળવવાના બહાને ૨ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આટલા પૈસા પડાવ્યા પછી પણ ચેતને ફરીથી કોલ કરી એફડીમાં શ્રુતીની માતા હૈયાત નથી. તેથી સહી થઈ ન શકતા તેના પેનલ્ટી પેટે ૧૨ હજાર પડાવ્યા હતા.
મિત્રને પણ મુરઘો બનાવાયો
આ રીતે ભૌમિક પાસેથી શ્રુતી સાથે લગન કરાવવાની લાલચ આપી ટુકડે ટુકડે રૂપિયા ૩,૦૨,૦૦૦ પડાવી લીધા હતાં. બાદમાં ચેતન અને શ્રુતીએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આ ટોળકીએ ભૌમિક ઉપરાંત તેના મિત્ર રેલીશ(નામ બદલેલ છે) સાથે પણ આ રીતે છેતરપિંડી કરી રૂપિયા ૨,૨૩,૦૦૦ પડાવ્યા હતા. ભૌમિક અને રેલીશ પાસેથી લગ્ન કરાવવાની લાલચ આપી કુલ રૂપિયા ૫,૨૫,૦૦૦ પડાવી લેવાયા હતાં. જેથી છેતરપિંડી કરનાર ચેતન જયંતી અને શ્રુતી ડોબરીયા સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.








