સુરતના કુંભાણી સામે કોંગ્રેસે વિંઝ્યો કોરડો, ભાજપ સાથે મેળાપીપણામાં ફોર્મ રદ્દ થતાં 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ
સુરત લોકસભાની બેઠક બિનહરિફ જાહેર થઈ છે. જેમાં કોંગ્રેસ સાથે ગેમ થઈ ગઈ હોવાનું હવે મોડે

સુરત લોકસભાની બેઠક બિનહરિફ જાહેર થઈ છે. જેમાં કોંગ્રેસ સાથે ગેમ થઈ ગઈ હોવાનું હવે મોડે મોડે મોવડીમંડળને સમજાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા કુંભાણી સામે આકરા પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલ સુધી કોર્ટમાં પડકારવાની વાત કરતાં કોંગ્રેસ હવે પારોઠના પગલાં લીધા છે. જેથી ફોર્મ રદ્દ થવાના માસ્ટરમાઈન્ડ એવા કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
શિસ્ત સમિતિએ લીધો નિર્ણય
કોંગ્રેસની શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલના નામે સામે આવેલા પત્ર પ્રમાણે કુંભાણીને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પત્રમાં લખાયું છે કે, શિસ્ત સમિતિની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે નિલેશ કુંભાણીની નિષ્કાળજી સ્પષ્ટપણે સામે આવી છે. સાથે જ ભાજપ સાથે મેળાપીપણું કુંભાણીએ રચ્યું હોવાનું સામે આવતાં આ પગલાં લેવામાં આવ્યાં છે.
કુંભાણીએ સ્પષ્ટતા ન કરી
કુંભાણીને સ્પષ્ટતા માટે સમય અપાયો હોવા છતાં તે હાજર ન થયા હોવાનું પત્રમાં લખાયું છે. કુંભાણી નાટયાત્મક રીતે ગાયબ થયા હતાં. કોઈપણ જાતનો ખુલાસો પક્ષ સામે કરવામાં આવ્યો નહોતો. સાથે જ લખાયું છે કે, કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ પાછા ખેંચી લીધા હતાં. ભાજપની સામ,દામ, દંડ અને ભેદની નીતિના કારણે મતદારોએ મતના અધિકારીથી વંચિત રહેવાનું થયું છે. જે લોકશાહીની હત્યા છે. આ તમામ બાબતમાં કુંભાણીની ભૂમિકા હોવાથી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.








