મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉમેદવારી રદ્દ થતાં જ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા, ફોન સતત બંધ, સુરતમાં કોંગ્રેસ 73 વર્ષ બાદ પ્રથમવાર ચૂંટણી નહીં લડે

સુરતમાં કોંગ્રેસ લોકસભાની ચૂંટણી અગાઉ જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ છે. ફોર્મ રદ્દ થયું ક

ઉમેદવારી રદ્દ થતાં જ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા, ફોન સતત બંધ, સુરતમાં કોંગ્રેસ 73 વર્ષ બાદ પ્રથમવાર ચૂંટણી નહીં લડે

સુરતમાં કોંગ્રેસ લોકસભાની ચૂંટણી અગાઉ જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ છે. ફોર્મ રદ્દ થયું કે સામે ચાલીને કરાવાયું તે મુદ્દે કોંગ્રેસ સહિત તમામને પ્રશ્ન છે. ત્યારે કોંગ્રેસ સાથે કળા કરવાના જેના પર આક્ષેપ મૂકાયા છે તે ખુદ નિલેશ કુંભાણી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું સામે આવ્યું છે. ઉમેદવારી ફોર્મ રદ્દ થયા અગાઉ જ કલેક્ટર કચેરીના પાછળા બારણેથી નીકળી ગયેલા કુંભાણીનો ફોન સતત બંધ આવી રહ્યો છે. વર્ષ 2000માં પાલિકાની ચૂંટણીમાં એક સાથે 23 ઉમેદવારના ફોર્મ રદ્દ થયા બાદ લોકસભામાં પણ ફોર્મ રદ્દ થયા છે. ત્યારે લોકસભાના 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસ સુરતથી ચૂંટણી નહીં લડી શકે.

કોણ દાવ કરી ગયું..

સુરતમાં લોકસભાની બેઠક કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો સમાન બની ગઈ છે. નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદથી સુરતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ઉમેદવારની પસંદગીથી લઈ ફોર્મ રદ સુધીની ગેમ રમાઈ હોવાની પણ ચર્ચા થઇ રહી છે. આ સાથે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીની બેદરકારી છતી થયાની પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પણ આ સમગ્ર મામલે લાલઘૂમ થયા છે. કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન ભાજપના નેતાઓ સાથે કુંભાણીના સંબંધ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સુરતથી લઇને પ્રદેશ સુધી તે પણ ચર્ચા થઇ રહી છે કે, કુંભાણીનો દાવ થયો કે કુંભાણીએ કોંગ્રેસનો દાવ કર્યો છે.

'ભૂલ' સાથે કોંગ્રેસને જૂનો નાતો

સુરતને કોંગ્રેસ મુક્ત કરવાની શરૂઆત ભાજપે 1995માં કરી હતી 1992 માં બાબરી મસ્જિદ વિધ્વંસ થયો તેના 3 વર્ષ બાદ 1995માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના બધા ઉમેદવારો હારી ગયા હતા. ત્યારબાદ 2000ની સાલમાં ચૂંટણી આવી હતી અને ભાજપમાં આંતરિક જૂથવાદ અને લોકોમાં રોષ હોવા સાથે કોંગ્રેસ મજબુત જણાતી હતી. પરંતુ શહેર કોંગ્રેસ નબળી નેતાગારીએ ભાજપને સીધો ફાયદો અપાવી દીધો હતો. 2000ની સાલમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારે અરાજકતા થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવારના મેન્ડેટ પણ નહી પહોંચતા 99 માંથી કોંગ્રેસના 23 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયાં હતા ત્યાર બાદ પણ કોંગ્રેસને 25 અને ભાજપને 59 બેઠક જ્યારે અપક્ષ અને અન્ય પક્ષોને 15 બેઠક મળી હતી.

આ સમાચાર શેર કરો