સુરત/ આરોગ્ય વિભાગે પાડેલા દરોડામાં 3 દુકાનોના મરચામાં હતી રાખ, ચોખાના સેમ્પલ પણ ફેઈલ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો અગાઉ કિરાણા સ્ટોરમાં દરોડા કરવામાં આવ્યાં હતાં.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો અગાઉ કિરાણા સ્ટોરમાં દરોડા કરવામાં આવ્યાં હતાં. અહિંથી મસાલા સહિતની વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી 3 દુકાનોના સેમ્પલ ફેઈલ થયા હતાં. મરચાના પાવડરમાં રાખ જોવા મળી હતી. જ્યારે ચોખાના સેમ્પલ પણ ફેઈલ થયા છે. આ પ્રકારના ગુણવત્તાયુક્ત ખોરાકથી લાંબા ગાળે ગંભીર બીમારીઓ આવતી હોવાનું તબીબો કહી રહ્યાં છે.
ફરિયાદ દાખલ કરાશે
લિંબાયત મધુનગરના સરદાર ભગતસિંહ ટ્રેડર્સમાંથી લીધેલો ચોખાનો નમૂનો ફેલ ગયો છે. લેબ પૃથ્થકરણમાં ચોખા હલકી કક્ષાના એટલેકે પાક વહેલો ઉતારી લેવાયો હોવાની શક્યતા છે. પાલિકાની ટીમે 15 સંસ્થામાંથી ઘઉં-ચોખાનાં 17 નમૂનાં લીધાં હતાં, જ્યારે મરી-મસાલાની 17 સંસ્થામાંથી મરચાં પાવડરનાં 19 નમૂનાં લીધાં હતાં. ધારાધોરણ મુજબ આ નમૂનાં સબસ્ટાન્ડર્ડ આવતા દુકાનો સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ કેસમાં મહત્તમ 5 લાખ સુધીના દંડની જોગવાઇ છે.
મરચાં સૂકવતી વેળા વધુ ધૂળ ઊડતાં ક્વોલિટી બગડે છે
મરચાં પાવડરમાં ટોટલ એશ (રાખ)નું પ્રમાણ મહત્તમ 8 ટકાથી વધારે હતું, જ્યારે નોન વોલાટાઇલનું પ્રમાણ મિનિમમ 12 ટકા હોવું જોઇએ, જેનાથી પણ ઓછું હતું. મરચાંને ખુલ્લી જગ્યા પર જ્યારે સૂકવાય છે ત્યારે તેમાં વાતાવરણમાંથી ધૂળ-માટી લાગવાને કારણે ટોટલ એશનું પ્રમાણ વધી શકે છે. વળી, વધુ પડતા તડકામાં સૂકવવાથી તેમાં રહેલા નેચરલ ઓઇલ ઊડી જઇ શકે છે, જેને કારણે નોન વોલાટાઇલનું પ્રમાણ ઓછું થાય છે.








