મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ અકસ્માતમાં બ્રેઈનડેડ થયેલા 46 વર્ષીય યુવકના અંગોનું દાન, લિવર-કિડની અને ચક્ષુના દાનથી પાંચને નવું જીવન

ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છ

સુરત/ અકસ્માતમાં બ્રેઈનડેડ થયેલા 46 વર્ષીય યુવકના અંગોનું દાન, લિવર-કિડની અને ચક્ષુના દાનથી પાંચને નવું જીવન

ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ત્યારે અકસ્માતમાં બ્રેઈનડેડ જાહેર થયેલા 46 વર્ષના લેઉવા પટેલ સમાજના કિરણકુમાર રમેશભાઈ વેકરીયાના અંગોનું દાન કરવામાં આવ્યું છે. કિરણકુમારના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

અજાણ્યા વાહને ટક્કર મારી હતી

મૂળ ગામ મોલડી, તા. સાવરકુંડલા, જી. અમરેલીના વતની અને હાલ પાસોદરા પાટીયા પાસે, ખોલવડ, સુરત ખાતે કિરણકમાર રહેતા હતાં. તેઓ મકાન લે-વેચની દલાલી કરતા હતાં. કિરણકુમાર તા. 11 એપ્રિલના રોજ વરાછા, સીમાડા નાકા પાસે ખોડલ રેસ્ટોરન્ટમાં ટીફીન લેવા ગયા હતા. ટિફિન લઇને પોતાના ઘરે (પાસોદરા પાટિયા) જતા હતા. ત્યારે લસકાણા રેલ્વે બ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફત તેમને કામરેજમાં આવેલ દીનબંધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા.

તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા

કિરણકુમારને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની વિનસ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. નિલય શાહની સારવાર હેઠળ દાખલ કર્યા હતાં. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. જેથી પરિવારજનોએ તેમના અંગદાન અંગે ડોનેટ લાઈફ દ્વારા માહિતી અપાઈ હતી. જેથી કિરણકુમારના પિતા રમેશભાઈ, ભાઈ દિનેશભાઈ, કાકા નીતિનભાઈ અને જયેશભાઈ, મામા રસિકભાઈ અને હિતેશભાઈ તેમજ વેકરીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. 

પરિવારજનોએ આપી સંમતિ

કિરણકુમારના ભાઈ દિનેશભાઈએ કહ્યું કે, અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે.  શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા ભાઈના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. કિરણકુમારના પરિવારમાં પિતા રમેશભાઈ ઉં.વ.૬૫, જેઓ નિવૃત જીવન જીવે છે, માતા લાભુબેન નવેમ્બર ૨૦૨૩માં મૃત્યુ પામેલ છે, ભાઈ દિનેશભાઈની વરાછામાં આઈસ્ક્રીમની દુકાન છે. બહેન ચંદ્રિકા ઉ.વ૪૨ અને આશા ઉ.વ ૪૦ જેઓ પરણિત છે.

કિડની અમદાવાદ મોકલાઈ

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બે કિડનીમાંથી એક કિડની અમદાવાદની સીમ્સ હોસ્પિટલ અને બીજી કિડની સ્ટર્લીંગ હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. લિવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલના ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. ગૌરવ ચૌબલ અને તેમની ટીમે, કિડનીનું દાન ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહીર, ડૉ. કાર્તિક પટેલ અને તેમની ટીમે સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ. દિનેશ જોધાણીએ સ્વીકાર્યું હતું.

લિવર મુંબઈના વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ગૌરવ ચૌબલ, ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. આદિત્ય નાણાવટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. દાન માં મેળવવામાં આવેલી બે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલ અને સ્ટર્લીંગ હોસ્પીટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો