Surat/ ઓલપાડમાં ન્યૂઝ રિપોર્ટર અને તંત્રી સામે ખંડણીની ફરિયાદ, ગળે ચાકુ રાખી આપી જાનથી મારવાની આપી હતી ધમકી
સુરતના ઓલપાડ પંથકમાં ચોથી જાગીર ગણાતા પત્રકારત્વને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. '


સુરતના ઓલપાડ પંથકમાં ચોથી જાગીર ગણાતા પત્રકારત્વને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. 'ગુજરાત અસ્મિતા' નામના સમાચાર પત્રના તંત્રી અને રિપોર્ટરે મળીને એક વ્યક્તિને ડરાવી-ધમકાવી તેની પાસેથી ખંડણી ઉઘરાવી હોવાની ફરિયાદ નોંધાતા ઓલપાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીડિયો વાયરલ કરવાની અને જેલમાં ધકેલવાની ધમકી
ઘટનાની વિગતો મુજબ, આરોપીઓએ ફરિયાદીનો દારૂ વેચાણ કરતો હોવાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા કે સમાચારમાં વાયરલ ન કરવાના બદલામાં પૈસાની માંગણી કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ એવી પણ ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપે તો તેને આજીવન જેલની સજા થાય તેવા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે.
ગળા પર ચાકુ રાખી લૂંટ ચલાવી
તોડબાજ તત્વોની હિંમત એટલી વધી ગઈ હતી કે તેમણે ફરિયાદીના ગળા પર 'રેમ્બો ચાકુ' જેવો છરો મૂકી દીધો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરિયાદી પાસેથી તબક્કાવાર રૂ. 10,000 પડાવી લીધા હતા. અંતે ત્રાસથી કંટાળીને ભોગ બનનારે ઓલપાડ પોલીસ મથકમાં ન્યાયની ગુહાર લગાવી હતી.
તંત્રી હજુ ફરાર, બે આરોપી જેલના સળિયા પાછળ
ઓલપાડ પોલીસે આ મામલે ત્વરિત તપાસ હાથ ધરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, આ સમગ્ર ખંડણીકાંડનો મુખ્ય સૂત્રધાર અને ગુજરાત અસ્મિતાનો તંત્રી સચીન હર્ષવર્ધન પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે. ઓલપાડ પીઆઈ સી.આર. જાદવના જણાવ્યા અનુસાર, ફરાર તંત્રીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
તોડબાજ તત્વોમાં ફફડાટ
ન્યૂઝના નામે ડરાવી-ધમકાવીને ઉઘરાણી કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરતા સુરત જિલ્લાના તોડબાજ પત્રકારોમાં ફફડાટ ફેલાયો છે. પવિત્ર વ્યવસાયનો દુરુપયોગ કરી ગુનાખોરી આચરતા તત્વો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે.







