Video/ હાઈટેક નકલનો પર્દાફાશ, પરીક્ષામાં ChatGPT અને Geminiથી જવાબો લખતી વિદ્યાર્થિની પકડાઈ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ની પરીક્ષામાં આધુનિક ટેક્નોલોજીનો દુરુપયોગ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ની પરીક્ષામાં આધુનિક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને ચોરી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં ચાલી રહેલી કમ્પ્યુટર સાયન્સની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિની AI ટૂલ્સનો ઉપયોગ કરીને લાઇવ જવાબો લખતા પકડાઈ હતી.
AI પ્લેટફોર્મ્સનો લાઇવ ઉપયોગ
પ્રાપ્ત માહિતી અનુસાર, કમ્પ્યુટર સાયન્સ અને આઇટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે હાઇટેક ગેજેટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિની કોડિંગ સંબંધિત પ્રશ્નોના જવાબો સીધા ChatGPT અને Gemini જેવા AI પ્લેટફોર્મ્સ પાસેથી લાઇવ મેળવીને લખતી હતી, જે પરીક્ષા સ્ટાફ દ્વારા ઝડપાઈ ગઈ હતી.
શિક્ષણજગતમાં ચિંતાનો વિષય
આ કિસ્સાએ શિક્ષણજગતમાં મોટી ચિંતા ઊભી કરી છે. ટેક્નોલોજીના આ યુગમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ આચરવા માટે જે રીતે અત્યાધુનિક AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે, તેનાથી પરીક્ષાની પદ્ધતિ અને મૂલ્યાંકનની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
AI ટૂલ્સ જેમ કે ChatGPT અને Gemini કોડિંગથી લઈને જટિલ જવાબો સુધીની તમામ માહિતી તત્કાલ પૂરી પાડે છે. વિદ્યાર્થીઓ આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ પરીક્ષાખંડમાં કરીને ગેરરીતિ આચરી રહ્યા હોવાનું બહાર આવતાં યુનિવર્સિટીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે.







